ભુજ, તા. 9 : ગત સાંજે ભુજનું હમીરસર તળાવ
નવાં નીરથી છલકાતાં આજે પરંપરાગત રીતે સુધરાઈ અધ્યક્ષા રશ્મીબેન સોલંકીના હસ્તે વધાવાયું
હતું, તો સાથોસાથ ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે દેશલસર
તળાવનાં નીરને વિધિવત્ રીતે વધાવ્યું હતું.
છેલ્લા બે દિવસથી ભુજ પર મેઘકૃપા વરસતાં ભુજવાસીઓનું હૃદયસ્થ હમીરસર તળાવ ગત સાંજે
ઓગની જતાં શહેરીજનોના આનંદનો પાર નહોતો રહ્યો. લાંબા સમયથી વરસાદના કોઈ એંધાણ ન હતાં,
પણ તેમ છતાં હમીરસર તળાવ ઓગનશે તેવી શહેરીજનોને આશા હતી, જે ગત બે દિવસની મેઘમહેર થકી પૂર્ણ થઈ હતી.વહેલી સવારથી જ ભુજ સુધરાઈ કચેરી
ખાતે શાસકોને વધામણા પાઠવવા રાજકીય-સામાજિક અગ્રણીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઊમટી
પડયા હતા. કચેરી ખાતેથી પ્રમુખ, ઉ.પ્ર. સાથે સાથી હોદ્દેદારો
વાજતે-ગાજતે હમીરસરને વધાવવા નીકળ્યા હતા અને પાવડી ખાતે પ્રમુખ રશ્મીબેને વિધિવત્
રીતે તળાવનાં નવાં નીરનાં પોંખણા કર્યાં હતાં,
ત્યારે હર્ષોલ્લાસ વચ્ચે અહીં વિધિ પૂર્ણ થયા બાદ શાસકો દેશલસર તળાવ
પહોંચ્યા હતા, જ્યાં ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે પૂજન સાથે તળાવને
વધાવવાની પરંપરા જાળવી રાખી હતી. હમીરસર તળાવના વધામણા વખતે શ્રીફળ-સોનાના સિક્કા સાથે
પોટલી નખાઈ હતી. જે મેળવવા તારુઓએ તળાવનું તળિયું ખૂંદી નાખ્યું હતું. વિજેતાને ઉપસ્થિતોએ
અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ નવા નીરને રક્ત અર્પણ
કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે 29મીવાર તળાવને વધાવાયું હતું. અહીં એ પણ
નોંધનીય છે કે, હાલના શાસકોના પાંચ વર્ષમાં
બંને પ્રમુખને બે-બેવાર તળાવ વધાવવાનો મોકો
મળ્યો છે, જે અત્યાર સુધીના ઈતિહાસની પ્રથમ ઘટના છે. આ પ્રસંગે
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ
પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખો પચાણભાઇ સંજોટ, ડો. મુકેશભાઇ ચંદે, રાહુલભાઇ ગોર, મંત્રી વીંજુબેન રબારી, પ્રફુલ્લસિંહ જાડેજા,
જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદી, યુવા
મોરચાના પ્રમુખ તાપસભાઇ શાહ, શહેર ભાજપના પ્રમુખ મીતભાઇ ઠક્કર,
પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, પૂર્વ ધારાસભ્ય
પંકજભાઇ મહેતા, પૂર્વ નગરપતિ કિરીટભાઇ સોમપુરા, નરેન્દ્રભાઇ ઠક્કર, અરૂણભાઇ વછરાજાની, દેવરાજભાઇ કે. ગઢવી, અશોકભાઇ હાથી, ઘનશ્યામભાઇ ઠક્કર, હેમલતાબેન ગોર, નગરપાલિકાના શાસક પક્ષના નેતા કમલભાઇ ગઢવી, ભુજ નગરપાલિકાના
દંડક રાજેશભાઇ ગોર, વિરોધ પક્ષના નેતા કાસમભાઇ સમા ઉપસ્થિત રહ્યા
હતા.