નવી દિલ્હી, તા. 9 : લદ્દાખના
સિયાચીન ગ્લેશિયરમાં હિમપ્રપાતને કારણે ભારતીય સેનાના ગુજરાતના એક સહિત ત્રણ સૈનિક
શહીદ થયા છે. તેમાંથી બે અગ્નિવીર છે. હિમપ્રપાત એક ચોકી પર ત્રાટકયો હતો. ત્રણેય સૈનિક
ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સેનાની બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઇ ગઇ અને ફસાયેલા
પાંચ અન્ય જવાનને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા છે. ત્રણેય મૃતક સૈનિક મહાર રેજિમેન્ટના
હતા. તેઓ ગુજરાત, ઉત્તરપ્રદેશ
અને ઝારખંડના હતા. હિમપ્રપાતમાં પાંચ સૈનિક ફસાયા છે. એક કેપ્ટનને બચાવી લેવામાં આવ્યો
છે. સેનાની બચાવ ટીમો તાત્કાલિક કામે લાગી ગઇ, લેહ અને ઉધમપુરની
ટીમોની મદદ લીધી હતી. ભારે બરફવર્ષાને લીધે બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાઇ છે. સિયાચીન
ગ્લેશિયર, કારાકોરમ પર્વતમાળામાં 20,000 ફૂટની ઊંચાઇ પર આવેલું છે.
આ વખતે હિમપ્રપાત બેઝ કેમ્પની નજીક 12000 ફૂટની ઊંચાઇ પર થયો હતો અને ત્યારબાદ પાંચેક કલાક સુધી જવાનો
બરફમાં દટાયેલા હોવાના અહેવાલ છે. સિયાચીનને વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર કહેવામાં
આવે છે. અહીંનું તાપમાન માઇનસ 60 ડિગ્રી સેલ્સિયસ
સુધી ઘટી જાય છે. હિમપ્રપાતના સમાચાર મળતા જ ભારતીય સેના અને વાયુસેનાએ તાત્કાલિક બચાવ
કામગીરી શરૂ કરી દીધી હતી. સ્પેશિયાલિસ્ટ હિમપ્રપાત બચાવ ટીમો (એઆરટી) ઘટના સ્થળે પહોંચી
ગઇ હતી. જે બરફમાં દટાયેલા સૈનિકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેમને હોસ્પિટલમાં
લઇ જવા માટે ચિત્તા અને એમઆઇ-17 જેવા આર્મી
હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.