• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

મેવાસા ડેમ જોવા ગયેલા યુવાનનું તણાઈ જતાં મોત

ગાંધીધામ, તા. 9 : વાગડમાં વરસેલા અનરાધાર વરસાદથી અનેક ડેમ-તળાવો છલકાઈ ગયાં હતાં. મેવાસા ડેમ પણ ઓવરફ્લો થયો હતો, જે જોવા ગયેલો કિડિયાનગરનો દિનેશભાઈ ગોવિંદભાઇ પઢારિયા નામનો યુવાન ગઈકાલે ધસમસતાં પાણીમાં ગરક થઈ ગયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ હતભાગી યુવાનનો પગ લપસી જતાં પાણીમાં ગરક થઈ ગયો હતો. જાણ થતાં જ રાપર મામલતદાર તેમજ તંત્ર દ્વારા શોધખોળ માટે કાર્યવાહી કરાઈ હતી. તરવૈયાઓ બોલાવી તેની શોધખોળ હાથ ધરાઈ હતી. કલાકોની કામગીરી બાદ  સાંજે મૃતદેહ હાથ લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અતિભારે વરસાદની આગાહી સાથે જ જિલ્લા સમાહર્તા દ્વારા આવા જોખમી જળાશયો આજુબાજુ ન જવાની સૂચના જારી કરવામાં આવી હતી. જે ન અનુસરતાં પાલર પાણીએ આ યુવાનનો ભોગ લીધો હતો. વાગડમાં  નવા પાણીએ પહેલો ભોગ લીધો હતો.    

Panchang

dd