માતાના મઢ, તા. 9 : તીર્થસ્થાન માતાના મઢમાં મંદિર
સામે બાંધવામાં આવેલા બંધારાની પહોળાઈ ઓછી હોવાથી તેનું પાણી જો ડેમ છલકાય તો ગામમાં
ફરી વળે તેવી સ્થિતિ અંગે કચ્છમિત્રએ પ્રગટ કરેલા હેવાલ તેમજ માતાના મઢ ગ્રામ પંચાયત
દ્વારા મામલતદારને કરાયેલી રજૂઆત બાદ આ બંધારાનું નિરીક્ષણ કરવા વહીવટી તંત્ર પહોંચ્યું
હતું અને વહેલીતકે સમારકામ કરાશે તેવી ખાતરી આપી હતી. પંચાયત દ્વારા વ્યક્ત કરાયેલી
ભીતિ અન્વયે દયાપર મામલતદાર શ્રી મારુએ પણ સ્થિતિની ગંભીરતાં લેતાં સ્થળનું જાતનિરીક્ષણ
કર્યું હતું અને રેનકટથી પાળનું ધોવાણ થયું હોવાથી તેમણે પણ સિંચાઈ વિભાગને જાણ કરી
હતી અને વહેલી તકે પાળનું સમારકામ કરાશે તેવી ગ્રામજનો-આગેવાનોને ખાતરી આપી હતી. બપોરના
અરસામાં રાજ્ય સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સોનુસિંગ, ઈન્ચાર્જ ડેપ્યુટી અધિકારી રોહિતભાઈ નકુમ,
પંચાયત આરએન્ડબીના રામજીભાઈ આહીર સહિતના અધિકારીઓ આ બંધારાની કેનાલનું
ધોવાણ થયું હોવાનું નિરીક્ષણ કર્યું હતું. અલબત્ત, કાર્યપાલક
ઈજનેર સોનુસિંગે મઢ પર તોળાતા આ જળસંકટની ભીતિને હળવાશમાં લીધી હોવાની ફરિયાદો ઊઠી
છે. અધિકારીઓના આવા વલણથી ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, બાદમાં ઈન્ચાર્જ ડેપ્યુટી અધિકારી રોહિતભાઈ નકુમે પાળના નબળા કામનું વહેલી
તકે સમારકામ કરાશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેનાલનું સિંચાઈ વિભાગ દ્વારા મશીનરી લગાવી, લાઈન લેવલ
લીધા વિના કરવામાં આવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. તેથી જ કેનાલની માટી ધોવાઈ
ગઈ છે અને કેનાલ અંદર જ પડી રહી છે. આવા તકલાદી કામના કારણે સ્થાનિકો ઉપરાંત આગામી
નવરાત્રિ ઉત્સવમાં કુળદેવીના દર્શને આવતા લાખો ભક્તોના જીવને જોખમ હોવાનું પણ ઉમેર્યું
હતું.