લીડસ, તા. 24 : પ્રથમ ટેસ્ટમાં બેઝબોલ શૈલીથી
બેટિંગ કરીને ઇંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટે યાદગાર વિજય હાંસલ કરીને પાંચ મેચની શ્રેણીમાં
1-0ની સરસાઇ મેળવી લીધી છે. 371 રનનો કઠિન વિજય લક્ષ્યાંક ઇંગ્લેન્ડે
82 ઓવરમાં હાંસલ કરીને ભારતીય
ટીમને હતપ્રભ કરી દીધી હતી. લીડસ ટેસ્ટમાં પાંચ સદી છતાં ટીમ ઇન્ડિયાની આંચકારૂપ હાર
થઇ છે. જેનું મહત્ત્વનું કારણ નબળી ફિલ્ડિંગ રહી છે. પહેલી ઇનિંગ્સમાં છ અને બીજી ઇનિંગ્સમાં
બે કેચ ગુમાવ્યા હતા આ ઉપરાંત સંખ્યાબંધ ગલી કરી હતી. ઇંગલેન્ડ તરફથી બીજા દાવમાં બેન ડકેટે 149 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી.
જ્યારે જો રૂટ પ3 અને જેમી
સ્મિથ 44 રને નોટઆઉટ રહ્યા હતા. ઇંગ્લેન્ડે
82 ઓવરમાં પાંચ વિકેટે 373 રન કરી વિક્રમી જીત મેળવી હતી.
ભારતના સ્ટ્રાઇક બોલર બુમરાહને બીજા દાવમાં વિકેટ મળી ન હતી. ક્રિષ્ના અને ઠાકુરને
2-2 વિકેટ મળી હતી. ચાના સમય પહેલાં
શાર્દુલ ઠાકુર અચાનક ત્રાટકયો હતો. તેણે બે દડામાં બે વિકેટ ઝડપી ભારતીય ટીમને રાહતની
શ્વાસ આપી હતી. ઠાકુરે પહેલા સદીવીર બેન ડકેટની વિકેટ લીધી હતી. આ પછી હેરી બ્રુકનો
શિકાર કર્યો હતો. ડકેટે 170 દડામાં 21 ચોગ્ગા અને 1 છગ્ગાથી 149 રનની અદભૂત અને યાદગાર ઇનિંગ્સ
રમી હતી. આ પહેલા જેક ક્રાઉલી 126 દડામાં 7 ચોગ્ગાથી 6પ રને આઉટ થયો હતો. તેની વિકેટ કૃષ્ણાએ
લીધી હતી. ક્રાઉલી અને ડકેટ વચ્ચે પહેલી વિકેટમાં 188 રનની સંગીન ભાગીદારીથી ઇંગ્લેન્ડે મેચ પર કાબુ જમાવ્યો હતો.
ટી ટાઈમ સતત રીવર્સ સ્વીપ રમી રહેલ કપ્તાન બેન સ્ટોકસ 33 રને જાડેજાના દડામાં આઉટ થયો
હતો. આથી મેચ રોમાંચક બની હતી. અગાઉ ઇંગ્લેન્ડે આજે તેનો બીજો દાવ વિના વિકેટે 21 રનથી આગળ વધાર્યો હતો. બન્ને
ઓપનર બેન ડકેટ અને જેક ક્રાઉલીએ પ્રારંભથી જ ભારતીય બોલરો સામે આક્રમક અંદાજમાં બેટિંગ
કરી હતી. લંચ સુધીમાં ઇંગ્લેન્ડે વિકેટ ગુમાવી ન હતી અને 117 રન કરી ઇંગ્લેન્ડ માટે જીતની
રાહ તૈયાર કરી હતી.