• બુધવાર, 25 જૂન, 2025

પૂર્વ કચ્છમાં પોલીસની કાર્યવાહી દરમ્યાન 3.71 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છના વાગડ પંથકમાં પોલીસે દારૂ અંગેની બે જુદી-જુદી કાર્યવાહી કરીને કુલ રૂા. 3,71,900નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. આ દરોડા દરમ્યાન એક શખ્સને ઝડપી લેવાયો હતો જ્યારે એક શખ્સ સરકી જવામાં સફળ રહ્યો હતો. ભચાઉના લુણવાથી ચોપડવા ઓવરબ્રિજ તરફ આવતી ગાડીમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ચોપડવા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન, કાર નંબર જી.જે. 18 બી.એલ. 8792 આવતાં તેને રોકાવવાની કોશિશ કરતાં ચાલક રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા (રહે. નવી મોટી ચીરઇ)એ પોતાનું વાહન પાછું વાળી મોટી ચીરઇ તરફ હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછો કર્યો હતો. આ શખ્સ નવી મોટી ચીરઇની પશ્ચિમ દિશામાં બાવળની ઝાડીમાં કાર મૂકીને નાસી ગયો હતો. આ કારમાંથી પોલીસે ઓલ સિઝન 750 મિલિની 192 તથા રોયલ ચેલેન્જ 750 મિલિની 59  બોટલ એમ કુલ રૂા. 3,45,500નો અંગ્રેજી શરાબ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલ બોટલો પરથી બેચ નંબર છેકી નખાયા હતા. ફોર સેલ ઇન પંજાબ અને ઉત્તરાખંડ લખેલી આ બોટલો ક્યાંથી-કોની પાસેથી આવી હતી તે ખૂલ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક કાર્યવાહી રાપરના પ્રાગપરમાં કરવામાં આવી હતી. અહીં રહેનાર વેલા દેવા ભરવાડ નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેને સાથે રાખી વાડામાં તપાસ કરાતાં વિલાયતી  નળિયા નીચે જમીનમાં દાટેલો દારૂ મળી આવ્યો હતો. અહીંથી રોયલ ચેલેન્જની 12 તથા મેજિક મોમેન્ટની નવ બોટલ એમ કુલ રૂા. 26,400નો દારૂ જપ્ત કરાયો હતો. આ શખ્સે દારૂ ક્યાંથી મેળવ્યો હતો તે બહાર આવ્યું નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd