સુરત, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારે
વરસાદથી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સુરતમાં બે દિવસમાં
13 ઇંચ વરસાદે આ સ્માર્ટ સિટીને ઘમરોળી નાખ્યું છે. અહીં બીજા
દિવસે પણ ભારે વરસાદે લોકોની હાલાકી બેવડાવી
હતી. વલસાડના તાપીમાં એકધારા છ ઇંચથી વધુ વરસાદે
જળભરાવની સ્થિતિ સર્જી હતી. પારડીમાં પાંચ ઇંચથી
વધુ વરસાદે જનજીવન પ્રભાવિત બન્યું હતું. નર્મદાના નાંદીદમાં સાડા આઠ ઇંચ વરસાદથી
સર્વત્ર પાણીનું સામ્રાજ્ય સર્જાયું હતું. દમણગંગા નદી પરના મધુબન ડેમના આઠ દરવાજા
ખાલી પાણી છોડવામાં આવ્યું હતું. વલસાડમાં સૌથી વધુ વરસાદ પડતા દમણગંગા નદી પરના મધુબન
ડેમમાં આઠ દરવાજા બે મીટર જેટલા ખોલી પાણી છોડવામાં આવ્યુ છે. સતત બીજા દિવસે સુરત
જિલ્લામાં અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેતા
સુરત મનપાની પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠયા છે. અનરાધાર વરસાદને કારણે સુરત જળમગ્ન થયું હતું. કામરેજમાં
અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. વ્રજ નંદીની સોસાયટીનો વિભાગ 1 અને 2 પાણીમાં ગરકાવ
થયા હતા. સાત સોસાયટીમાં પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ખાડીના પાણી નજીકની સોસાયટીઓ
તથા ગામમાં ફરી વળ્યા છે. તંત્ર તરફથી તેમને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી રહી. પાણી
ભરાવાને કારણે મહિલાઓ, બાળકો અને
વૃદ્ધોની હાલત દયનીય થઇ છે. સુરત જિલ્લામાં ખાબકી રહેલા વરસાદના કારણે પલસાણા તાલુકાના
ગાંગપુર ખાતે હળપતિવાસ, ડેરી ફળિયા, ગીરનાર
ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતાં 135 લોકોને જ્યારે
ધામડોદ ગામે વસાવા ફળિયાની બાજુમાં આવેલી કોતરોને લીધે પાણી ભરાઈ જતા 14 લોકોને સ્થળાંતર કરીને સલામત
સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સુરત સિટી વિસ્તારના ખાડી પુરમાં સરથાણા પોલીસ મથક પણ જળમગ્ન
બન્યું હતું. પુણા-કુંભારિયા વિસ્તારમાં આવેલી એક ખાડીમાં આજે સવારે અચાનક પાણીનો પ્રવાહ વધતાં ત્રણ યુવક ફસાઈ ગયા હતા.
આ પૈકી બે યુવકનો ફાયરબ્રિગેડ દ્વારા બચાવ થયો હતો. જો કે, 18 વર્ષીય અર્જુન
નામનો યુવક હજુ પણ લાપતા છે. વલસાડ જિલ્લાના વાપીમાં 154 મિમી, પારડીમાં 130 મિમી, કપરાડામાં 63 મિમી, ઉમરગામમાં 63 મિમી, ધરમપુરમાં 144 મિમી તેમજ વલસાડ સિટીમાં 55 મિમી વરસાદ નોંધાયો છે. તાપીના
સોનગઢમાં 128 મિમી, વ્યારામાં 124 મિમી, કુકરમુંડામાં 54 મિમી અને ડોલવણમાં 59 મિમી વરસાદ નોંધાયો
છે. સુરત જિલ્લાના ઓલપાડમાં 27 મિમી, માંગરોળમાં 28 મિમી, ઉમરપાડામાં 92 મિમી, માંડવીમાં 82 મિમી, કામરેજમાં 62 મિમી, બારડોલીમાં 124 મિમી, પલસાણામાં 45 મિમી, મહુવામાં 83 મિમી અને સુરત સિટીમાં 66 મિમી વરસાદ નોંધાયો હતો.