ભુજ, તા. 24 : કચ્છ જિલ્લાના યુવાન-યુવતીઓ
રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરના અનુભવો મેળવે તથા રમત ક્ષેત્રે ઉચ્ચ સ્તરની સંસ્કૃતિ
વિકસે તેવા હેતુથી કચ્છી લેવા પટેલ સમાજ-ભુજના મુખ્ય આયોજન હેઠળ તથા અનેક દાતાઓના સહયોગે
ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની 54મી સિનિયર નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનું તા. 28-6થી 3-7 સુધી છ દિવસનું આયોજન કરાયું
છે, જેનું કચ્છી લેવા પટેલ સમાજ-ભુજના સરદાર પટેલ
વિદ્યા સંકુલના લાલજી રૂડા પિંડોલિયા રમતગમત સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
દ્વારા તા. 28ના બપોરે
2 વાગ્યે ઉદ્ઘાટન કરાશે. આ આયોજનમાં હેન્ડબોલ
ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ ફેડરેશન
ગુજરાત, હેન્ડબોલ ફેડરેશન કચ્છ સહયોગી છે અને આયોજનમાં મુખ્યભૂમિકા
ભજવી રહ્યું છે. આ 54મી સિનિયર
નેશનલ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારતના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમોના 540 મહિલા ખેલાડી, 18 કોચ-મેનેજર
ભાગ લેવાના છે, જે માટે જરૂરી તમામ આનુષાંગિક
ઉચ્ચ સ્તરીય વ્યવસ્થાઓ કરાઈ છે. આ સ્પર્ધામાં રાષ્ટ્રના અર્ધલશ્કરી દળો જેવા કે એસએસબી,
બીએસએફ સીઆરપીએફ, પંજાબ
પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ સંબંધિત રાજ્યોની ટીમોમાં ભાગ લઇ રહ્યા છે. આયોજન માટે
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેકટર આનંદ પટેલ, જિલ્લા પોલીસવડા વિકાસ સુંડા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય
પરમારનું માર્ગદર્શન મળી રહ્યું છે. સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહનું આયોજન લેવા પટેલ સમાજના
માતૃશ્રી ધનબાઇ પ્રેમજી ગંગાજી કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યની ટીમો અને સ્થાનિક રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ
વિવિધ સ્પર્ધાઓમાં રમી આવેલા ખેલાડીઓ, આમંત્રિતોની ઉપસ્થિતિમાં
થનારું છે, જેમાં કચ્છ જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદ, રાષ્ટ્રીય ફેડરેશનના સેક્રેટરી પ્રદીપ સલુજા
(મધ્યપ્રદેશ), ગુજરાત ફેડરેશનના પ્રમુખ પ્રદીપકુમાર બાલમુંચું (ઝારખંડ), ગુરુશરણ
સિંગ ગીલ (પંજાબ), ગુજરાત હેન્ડબોલ એસોશિયેશન જનરલ સેક્રેટરી
રવીન્દ્રાસિંગ રાજપૂત, ઓલ ઇન્ડિયા હેન્ડબોલ કોચ ચંદ્રપાલાસિંહ
(હરિયાણા), કચ્છ એસોસિયેશન મંત્રી મનીષ પટેલ ઉપસ્થિત રહેશે. મુખ્ય
આયોજક કચ્છી લેવા પટેલ સમાજ-ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાના
માર્ગદર્શન હેઠળ હિમ્સ, એસ.વી.સી.ટી. (સગોમા), કચ્છીયત ફાઉન્ડેશન, જૈન મેડિકલ અને એજ્યુકેશન ટ્રસ્ટ,
માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય સહયોગી રહેશે. કચ્છી લેવા પટેલ સમાજ-ભુજ હેઠળ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં
2000 કન્યા-કુમાર અભ્યાસ કરે છે.
શાળાકીય રમતોમાં રાષ્ટ્રકક્ષાએ ભાગ લઇ ચુક્યા છે. જિલ્લાના સર્વજ્ઞાતીય રમતવીરોને ભુજ
લેવા પટેલ સમાજ દ્વારા પ્રોત્સાહન અને તાલીમ વર્ષોથી અપાઈ રહી છે, કચ્છ
જિલ્લાને ઉચ્ચસ્તરીય મેડિકલ સેવાઓમાં આત્મનિર્ભર કરનારા લેઉવા પટેલ સમાજ રાષ્ટ્રકક્ષાની
આ મોટી સ્પર્ધા યોજી રહ્યો છે, જેને નિહાળવા જિલ્લા તેમજ રાજ્યના
રમતગમતપ્રેમીઓને ઇજન અપાયું છે. સ્પર્ધા માટે રાષ્ટ્રસ્તરના મેદાનો તૈયાર કરાયા છે
અને ઉચ્ચસ્તરીય ઉદ્ઘાટન સમારોહ માટે તડામાર તૈયારી કરાઈ રહી છે. તે માટે 100 જેટલા સ્વયંસેવક, જિલ્લા-રાજ્યના કોચ સહયોગી છે. ખેલાડીઓ માટે
રાજ્યની પસંદગી અનુસાર ભોજન-આવાસની વ્યવસ્થા કરાઈ છે, જેમાં કચ્છ
યુનિવર્સિટી પણ સહયોગ આપી રહી છે.