ભુજ, તા. 24 : ગઇકાલે તાલુકાના ઝીંકડી પાસે
બે બાઇકની ટક્કરમાં બાઇક પાછળ બેઠેલા હાજાપર (હરુડી)ના 43 વર્ષીય યુવાન હસન ઇશાભાઇ વરોંધને
માથામાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું, જ્યારે આ અકસ્માતમાં બાઇકના બંને ચાલક ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે પદ્ધર
પોલીસ મથકે, મૂળ વાત્રા હાલે ખીરસરામાં રહેતા હૈયાત સુલેમાનભાઇ
ભચુભાઇ વરોંધ ગરાસિયા (મુસ્લીમ)એ નોંધાવેલી ફરિયાદ ગઇકાલે તેમના કૌટુંબિક સગા ફૈઝલ
અનવર વરોંધ (રહે. હબાય)ની મોટર સાઇકલ નં. જીજે-12-એચડી-1192વાળીમાં ફરિયાદીના કાકાઇ ભાઇ
હસનભાઇને પાછળ બેસાડી ગઇકાલે ઘરે લઇ જતા હતા, ત્યારે ઝીંકડીના બસ સ્ટેશન પાસે સામેથી રોંગસાઇડમાં પૂરપાટ આવતી બાઇક નં. જીજે-12-ઇએમ-9832વાળી સાથે ભટકાતાં ત્રણે ઘાયલ
થયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હસનભાઇને હેમરેજ જેવી ગંભીર ઇજાના
પગલે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જ્યારે ફૈઝલને સાધારણ મૂઢમારની ઇજા થતા દાખલ છે અને સામેવાળા બાઇક ચાલક સમીર
મંધરિયા (રહે. બોલાડી)ને પણ માથામાં ઇજા થતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. સામેવાળા
સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.