ભુજ, તા. 30 : અબડાસા તાલુકાના લાલા ગામમાં
છેલ્લા બે-ત્રણ દિવસથી એક વાનરના આતંકને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો
છે. અચાનક ગામમાં આવી ચડેલા આ વાનર દ્વારા સ્થાનિક લોકો પર હિંસક હુમલાઓ કરવામાં આવી
રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત ગામના લોકોમાં
ડરનો માહોલ છે. આ વાનર કોઈપણ સમયે રહેણાક વિસ્તારોમાં પહોંચી જાય છે અને લોકોને જોઈ
હુમલો કરવાનો પ્રયાસ કરે છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, કોઈ અનિચ્છનીય
ઘટના બને તે પહેલાં વનવિભાગ તાત્કાલિક કાર્યવાહી કરીને વાનરને સુરક્ષિત રીતે પકડી ગામમાંથી
દૂર ખસેડે.