ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 30 : માળિયા પાસે અકસ્માતનાં કારણે ટ્રાફિકજામ થવાથી સૂરજબારી સુધી
પાંચથી છ કલાક ટ્રાફિકજામની ઘટના સમયાંતરે બનતી હોય છે અને વ્યાપક સમયનો વ્યય થાય છે, પરંતુ આગામી વર્ષોમાં આવી કોઈ ઘટના જોવા નહીં
મળે. અગાઉ અમદાવાદથી કચ્છમાં આવતા ત્યારે સિંગલપટ્ટી માર્ગ અને
કચ્છ - સૌરાષ્ટ્રને જોડતો એક જ પુલ સૂરજબારી પુલ હતો, પરંતુ હવે સૌરાષ્ટ્ર કે અમદાવાદથી કચ્છમાં પ્રવેશશું ત્યારે ચાર કે છ માર્ગીય
નહીં પરંતુ આઠ માર્ગીય રોડ ઉપર સડસડાટ ગાડીઓ
દોડતી નજરે પડશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા કચ્છના પ્રવેશદ્વારે જ 2100 કરોડના બે માર્ગના પ્રકલ્પને
મંજૂરી આપવામાં આવી છે, જેમાં આઠ માર્ગીય રસ્તા ઉપરાંત બાયપાસ સિક્સલેનને
મંજૂરી આપવામાં આવી છે. - કચ્છના ઔદ્યોગિકીકરણ
માટે મહત્ત્વપૂર્ણ : કચ્છમાં ઔદ્યોગિકીકરણ અને બે મહાબંદરના વિકાસને ધ્યાનમાં રાખીને
કચ્છના ધોરીમાર્ગોને આઠ માર્ગીયમાં પરિવર્તિત કરવા માટે સમયાંતરે રજૂઆતો થતી હતી, ત્યારે આ
રજૂઆતો અને પ્રજાકીય પ્રતિનિધિઓએ કરેલા
પ્રયાસો ફળદાયી નીવડયા છે. - કચ્છના બે પ્રકલ્પ માટે 2100 કરોડ મંજૂર : કચ્છનો પ્રથમ આઠ લેન નેશનલ હાઈ-વે કચ્છના પ્રવેશદ્વાર પાસે નિર્માણ પામશે. હાઈ-વે ઓથોરિટીનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો
મુજબ સૂરજબારીથી માળિયા સુધીનો આઠ લેન માર્ગ મંજૂર કરાયો છે અને 1300 કરોડના ખર્ચે આ પ્રકલ્પ હાથ
ધરવામાં આવશે. નજીકના જ ભવિષ્યમાં આ પ્રકલ્પની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ભચાઉ તાલુકાના શિકારપુરથી રાપર તાલુકાના મેવાસા
સુધી 24 કિલોમીટરનો સિક્સલેન બાયપાસ નિર્માણ કરાશે, જેના માટે 800 કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં
આવી છે, અત્યાર
સુધી સૌરાષ્ટ્રથી રાધનપુર તરફ જતાં વાહનોને લાકડિયા થઈને જવું પડતું હતું,
પરંતુ આ પ્રસ્તાવિત બાયપાસ બનાવવાથી સૌરાષ્ટ્ર તરફ આવતા લોકો સીધા છ
માર્ગીય બાયપાસ રસ્તાથી સીધા સામખિયાળી-રાધનપુર છ માર્ગીય નેશનલ હાઈ-વે સાથે જોડાઈ જશે. આ રસ્તાથી વાગડને ચોથો છ માર્ગીય બાયપાસ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનશે. આ ઉપરાંત આ રસ્તો બની જતાં કંડલા-મુંદરા પોર્ટના ટ્રાફિકને પણ બીજા રસ્તાનું
ઓપ્શન મળશે. હાલ સામખિયાળી-રાધનપુર હાઈ-વે
ઉપર અકસ્માત બાદ ભારે ટ્રાફિકજામમાં કલાકો સુધી વાહનો અટવાયેલા રહે છે, ત્યારે આ ઓપ્શનલ બાયપાસ મળવાથી સામખિયાળી-રાધનપુર હાઈ-વે ઉપર ભારણ ઘટશે અને
પોર્ટનાં વાહનોની મૂવમેન્ટ ગતિશીલ બનશે, તેવું જાણકારો જણાવી
રહ્યા છે. - સૂરજબારી
પુલનું ત્રીજી વખત વિસ્તરણ : સૂરજબારી - માળિયા વચ્ચે કચ્છ - સૌરાષ્ટ્રને
જોડતા સૂરજબારી પુલને પણ આઠ માર્ગીય બનાવાશે, જ્યારે આ પુલનું નિર્માણ થયું ત્યારે એક જ પુલ ઉપર કચ્છ તરફથી વાહનોની અવરજવર
હતી, ત્યાર બાદ વધતા વાહનવ્યહારને ધ્યાનમાં રાખીને કચ્છ તરફ આવતાં
અને જતાં વાહનો માટે અલગ-અલગ પુલ બનાવવામાં આવ્યા. તાજેતરમાં જ પુલનાં વિસ્તરણને ધ્યાનમાં રાખીને ભૂકંપમાં
જર્જરિત બનેલા જૂના પુલને તોડી નાખવામાં આવ્યો છે. - કંડલા-મુંદરા પોર્ટનો ટ્રાફિક ગતિશીલ બનશે : કચ્છના કંડલા અને મુંદરા મહાબંદરો દ્વારા
દેશના મહત્તમ કાર્ગોનું હેન્ડલિંગ કચ્છથી કરવામાં આવે છે, ત્યારે આઠ લેન ધોરીમાર્ગ અને સિક્સલેન બાયપાસથી
પોર્ટનાં વાહનોનું પરિવહન ઝડપી બનશે. આ ઉપરાતં 2001 બાદ કચ્છમાં સર્જાયેલું ઔદ્યોગિકીકરણ આગામી સમયમાં હજુ વધી રહ્યું છે, ત્યારે માર્ગ વિસ્તૃતીકરણ માટે લેવાયેલો
આ નિર્ણય કચ્છના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. હાલ વડોદરા-અમદાવાદ આઠ લેન હાઈ-વે
છે. કચ્છનો પ્રથમ અને ગુજરાતનો બીજો આઠ લેન માર્ગ કચ્છમાં નિર્માણ પામશે. - બન્ને પ્રોજેક્ટ
કચ્છના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ : ગાંધીધામ, તા. 30 : સૂરજબારી - માળિયા આઠ લેન અને શિકારપુર - મેવાસા બાયપાસ સહિતના પ્રકલ્પોથી કચ્છનો વિકાસ ગતિશીલ બનશે, તેવું સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી,
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી
હતી. આ પ્રકલ્પ થકી કચ્છના ઔદ્યોગિકીકણના વિકાસને વેગ મળશે તેવી લાગણી તેમણે વ્યક્ત
કરી હતી. - કચ્છના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે : ગાંધીધામ, તા. 30 : રાષ્ટ્રીય
ધોરીમાર્ગના બે પ્રકલ્પ મંજૂર થતાં કચ્છના
પોર્ટ અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે
તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને માનદમંત્રી મહેશ તીર્થાણીએ
જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સૂરજબારી-માળિયા
માર્ગ ઉપર દૈનિક 35 હજારથી વધુ
વાહનોની અવરજવર થાય છે. વધુ વાહનોનાં કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે, તે સમસ્યા ભૂતકાળ બનશે. ચેમ્બર દ્વારા આ મુદ્દે
હાઈ-વે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરાઈ હતી. - સામખિયાળીથી સૂરજબારી સુધી
આઠ લેન બનાવો : ગાંધીધામ, તા. 30 : ફેડરેશન ઓફ
કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના એમ.ડી. નિમિષ ફડકેએ આ મંજૂર થયેલા પ્રોજેક્ટ વિકસતા જતા
કચ્છ માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. લાંબા સમયથી વિવિધ સંસ્થાઓ દ્વારા આ
અંગે રજૂઆતો કરવામાં આવતી હતી. આઠ લેન અને
સિક્સલેન બાયપાસથી પરિવહન ઝડપી બનશે અને કચ્છનું રોડ નેટવર્ક વધુ મજબૂત બનશે, તેમ કહી સામખિયાળીથી સૂરજબારી સુધી પણ આઠ લેન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.