• શુક્રવાર, 06 જૂન, 2025

કચ્છનાં ગામડાંની લુપ્ત થતી 24 રમત જુદી-જુદી ટીમોએ પ્રદર્શિત કરી

કનૈયાલાલ જોશી દ્વારા

મુંબઈ, તા. 2 : કચ્છનાં ગામડાંમાં રમાતી રમતો યાદ છે? આ સવાલની સાથે જ બાળપણ સાંભરી આવે. આવો અનોખો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામડાંની 24 રમત જુદી-જુદી ટીમોએ નિદર્શિત કરી હતી. આ આયોજન ચીંચપોકલી મહાજનવાડીમાં થયું હતું. મહાનગરમાં કદાચ પહેલીવાર આ આયોજન થયું. કચ્છી વીશા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન સંચાલિત કચ્છી ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે આ આયોજન થયું હતું, જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ રમતો જોવા માટે 350થી વધુ ભાઈ-બહેન ઉપસ્થિત રહ્યાં હતાં અને છેલ્લે સુધી રમતોની મજા માણી હતી. સ્થાનકવાસી મહાજનના પ્રમુખ વિજ્ઞેશભાઈ ભેદાએ જણાવ્યું કે, અગાઉ 10 કાર્યક્રમ યોજાઈ ગયા છે. આ 11મા મણકામાં `કચ્છી ગ્રુપ રાંધું સ્પર્ધા-2025' કચ્છી સમાજમાં પ્રથમવાર યોજાઈ, જેમાં 3 વર્ષની વયથી લઈને 86 વર્ષના વડીલે ભાગ લીધો હતો. કુલ 167 રમતવીર જોડાયા હતા. કચ્છી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનો વ્યાપ નવી પેઢીમાં પહોંચે અને પરંપરા જળવાઈ રહે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. દર વખતે નવું આયોજન કરીએ છીએ. ગયા વખતે કચ્છી ભરતનો વર્કશોપ કર્યો હતો, જેમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો, એ પછી કચ્છી રમતોનો વિષય લીધો. એક `લગોરી' રમત રમાય છે, બાકી લુપ્ત થઈ છે. કચ્છી સમાજમાં લગોરીની ટૂર્નામેન્ટ રમાય છે. આ રમતોના આયોજન માટે મનીષા અજય વીરા અને કન્વીનર અશ્વિન વીરાએ સારી જહેમત ઉઠાવી હતી. આયોજનના સૂત્રધાર અને ઉદ્ઘોષક મનીષ ગાલાએ જણાવ્યું કે, જુદી-જુદી રમતો માટે મુંબઈનાં ઉપનગરોમાંથી 24 ટીમ આવી હતી. દરેક ગ્રુપે અલગ-અલગ રમતનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. આ રમતો 15#32 ફૂટના વિશાળ સ્ટેજ પર રમાઈ હતી. ભાગ લેનારામાં 112 બહેન અને 55 પુરુષ હતા. આખો કાર્યક્રમ પાંચ કલાક ચાલ્યો હતો. સૌ ભાગ લેનાર પરંપરાગત ગામડાંના પોષાકમાં સજ્જ હતા. આ આયોજનમાં પ્રથમ વિજેતા લગોરી-મલાડ લગોરીયન્સ ટીમ દ્વિતીય વિજેતા ચોપાટ-કચ્છજી ક્વીન ગ્રુપ, તૃતીય-મેદાન ગ્રુપ કાંદિવલી, ચતુર્થ વિજેતા પોપટ આપ્ટો જાપ્ટો (રમત) અલમસ્ત રાંધ ગ્રુપ (ડોમ્બિવલી), પાંચમા વિજેતા ટમેટું ભો ટમેટું-બોરીવલી બેમિસાલ ગ્રુપ, જ્યારે એટાએટી-જોની જાધ ગ્રુપને પ્રોત્સાહન ઇનામ અપાયું હતું. મલાડના હરેશભાઈ વીરા (પત્રી) દાતા રહ્યા હતા, જ્યારે સૂર્યકાંત કક્કા અને પ્રવીણભાઈ ગોગરીએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. આ અવસરે મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ ગોગરી, ટ્રસ્ટીઓ તરલાબેન છેડા અને રાજેશ શાહ, પ્રમુખ વિજ્ઞેશભાઈ ભેદા, ઉપપ્રમુખ અનિલ ગંગર, સેક્રેટરી રાજેન ધરોડ, કેતન સંઘવી, કિશોર કેનિયા અને ખજાનચી અશ્વિન ગાલા તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd