નવી દિલ્હી, તા. 5 : પહેલગામ હુમલાનાં
પગલે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી આવતીકાલે
જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છ જૂને જમ્મુ
અને કાશ્મીરની મુલાકાતે જશે અને રાજ્યમાં બે આધુનિક રેલવેબ્રિજનું લોકાર્પણ કરવા સાથે
જ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે અને રૂા.
46,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું
ઉદ્ઘાટન કરશે. ચિનાબ પરનો પુલ વિશ્વનો સૌથી મોટો છે અને ઈન્જિનીયરિંગની અજાયબી સમાન
છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી મળતી સૂચના પ્રમાણે છ જૂને સવારે અગિયાર વાગ્યે વડાપ્રધાન
રાજ્યમાં બાંધવામાં આવેલા બે આધુનિક રેલવેબ્રિજ ચેનાબ બ્રિજ અને અંજી બ્રિજનું લોકાર્પણ
કરશે. 12 વાગ્યે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી
દાખવશે. ત્યાર બાદ વડાપ્રધાન કટરામાં રાજ્યની રૂા. 46,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરશે. ઇન્જિનીયરિંગની
અજાયબી જેવા બે રેલવેબ્રિજ કાશ્મીરમાં તૈયાર કરાયા છે. ચેનાબ બ્રિજ જમીનથી 359 મીટરની ઊંચાઇએ, 1,315 મીટર લાંબો
ડેક ધરાવતો સ્ટીલ આર્ક કમાન બ્રિજ છે. જે વિશ્વમાં સૌથી ઊંચાઇએ આવેલો રેલવેબ્રિજ છે, જે જમ્મુ અને શ્રીનગરને જોડતો રેલવેબ્રિજ છે.
આ બ્રિજ પરથી વંદે ભારત ટ્રેન દોડશે. આ સાથે જ અંજી બ્રિજ દેશનો પ્રથમ કેબલ સ્ટડેડ
રેલવેબ્રિજ છે. કાશ્મીરની વાદીઓમાં આ બ્રિજ પરથી ટ્રેનમાં પસાર થનારા યાત્રીઓ ધરતીના
સ્વર્ગની સુંદરતાનું વિહંગાવલોકન કરશે. - આ પુલનું આયુષ્ય 120 વર્ષથી વધુ કહેવાયું છે. આ પુલનું પરીક્ષણ તબક્કાવાર અલ્ટ્રાસોનિક
પરીક્ષણ દ્વારા કરવામાં આવ્યું છે. તે મોટામાં મોટા તોફાનનો પણ સામનો કરવા સક્ષમ છે.
- આ પુલ રિખ્ટર સ્કેલ પર આઠની તીવ્રતાના ભૂકંપમાં
પણ સુરક્ષિત રહી શકે છે. વિશ્વના આ સૌથી ઊંચા પુલની ઊંચાઈ 359 મીટર છે અને તેની લંબાઈ 1,315 મીટર છે. - રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌડી વચ્ચે
ચિનાબ પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલની કમાનની લંબાઈ 467 મીટર છે, તેને બનાવવા માટે ઇન્જિનીયરોને ખૂબ જ મહેનત
કરવી પડી હતી. - ચિનાબ બ્રિજ
પોલાદ અને કોંક્રિટથી બનેલો એક કમાનવાળો પુલ છે,
તેને બુલેટપ્રૂફ બનાવવામાં આવ્યો છે અને તે 40 ટન ટીએમટી જેટલા વિસ્ફોટનો
સામનો કરી શકે છે. - આ પુલનાં
નિર્માણમાં 29,880 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં
આવ્યો છે. ડીઆરડીઓએ તેની ડિઝાઈનમાં મદદ કરી છે, તેને બનાવવામાં લગભગ 1,486 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. - તે 100 કિ.મી. પ્રતિ
કલાકની ઝડપે ટકી શકે છે અને સ્ટેનલેસ સ્ટીલથી નિર્મિત છે. આ સ્ટીલ બનાવવા માટે ફોસ્ફરસ, નિકલ, સલ્ફર, સિલિકોન, મેંગેનીઝ, કાર્બન,
નિકલ, મોલિબ્ડેનમ અને ટાઈટેનિયમનો ઉપયોગ થયો છે.