ભુજ, તા. 5 : ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિનની
ઉજવણીના ભાગરૂપે શહેરમાં સ્વચ્છતા સાથે જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત
ઉપક્રમે આર.ટી.ઓ. સર્કલથી આત્મારામ સર્કલ સુધીના માર્ગ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં
આવ્યું હતું. આ અભિયાનમાં નાગરિક સંરક્ષણ કચેરી,
ભુજના વોર્ડનો અને સ્વયંસેવકો, ભુજ નગરપાલિકાના
કર્મચારીઓ અને સફાઈ કામદારો તેમજ ભારતીય સેનાના જવાનોએ સહભાગી બની આ માર્ગની સંપૂર્ણ
સફાઈ કરી અને જન જાગૃતિ અભિયાનમાં યોગદાન આપ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ
પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને ભુજ શહેરને સ્વચ્છ અને ઈશાશુંયક્ષ-rિશયક્ષમહુ શહેર બનાવવાની દિશામાં લોકસહભાગીતાથી
કાર્ય કરવાનો રહ્યો હતો. આ અવસરે ભારતીય સેનાનાં જવાનો અને વોર્ડનો દ્વારા આ વર્ષના
વિશ્વ પર્યાવરણ દિનની થીમ `પ્લાસ્ટિક
પ્રદૂષણનો અંત'ને અનુરૂપ પ્લાસ્ટિક મુક્તિ
અંગેના સંદેશને પોસ્ટર, પ્લેકાર્ડ અને ગીતના માધ્યમ દ્વારા જાહેર
જનતાને પાઠવ્યો હતો. આ સફાઈ અભિયાન સમગ્ર શહેર માટે પ્રેરણાદાયી સાબિત થયું છે અને
આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ વધુ પ્રમાણમાં આયોજિત કરવાની જિલ્લા વહીવટી તંત્ર
દ્વારા સંકલ્પબદ્ધ કામગીરીનો સંદેશ આપવામાં આવ્યો હતો અને પ્રકૃતિના જતન માટે સેનાના
જવાનો અને ઉપસ્થિત સિવિલ ડિફેન્સ વોર્ડન અને નાગરિકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી
હતી અને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવા માટે કટિબધ્ધતા દર્શાવી
હતી. આ પ્રસંગે મિલિટરી સ્ટેશન, ભુજના કર્નલ વી. કે. સિંઘ,
નાગરિક સંરક્ષણ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા, પ્રાંત અધિકારી ભુજ એ. બી. જાદવ અને નાગરિક સંરક્ષણ દળના ચીફ વોર્ડન ચિરાગ
ભટ્ટે જવાનો, વોર્ડન સભ્યો, સ્વયં સેવકો
અને જનતાનો ઉત્સાહ વધાર્યો હતો. તમામ કાર્યક્રમમાં જરૂરિયાત મુજબના સાધનો ભુજ નગર પાલિકા
દ્વારા પુરા પાડી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. અત્રે
એ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમને સમાંતર મિલિટરી સ્ટેશન, ભુજના
કેમ્પસની અંદર 200 જેટલા ફળાઉ
વૃક્ષોનું વાવેતર પણ આર્મીના જવાનો અને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું.