• શનિવાર, 07 જૂન, 2025

ગળપાદરમાં જમીન વિવાદમાં બે પક્ષો વચ્ચે હિંસક લડાઈ : 17 વિરુદ્ધ સામસામી ફરિયાદ

ભુજ, તા. 5 : તાલુકાના ગળપાદર સીમમાં સર્વે નં. 36 તથા 90ના વાડીવિસ્તારમાં બે પક્ષો વચ્ચે જમીનના વિવાદ મુદ્દે બે પરિવાર વચ્ચે હિંસક લડાઈ થતાં 17 વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધાવાઈ છે. ગઈકાલે સવારે બનેલા આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે મૂળ ગળપાદરના હાલે મેઘપર (કુંભારડી)માં રહેતા પ્રકાશભાઈ સામતભાઈ બરાડિયાએ હરકિશન નારાણ ચાવડા, વિપુલ વિરમ ચાવડા, હરદેવ ઉર્ફે રાજેશ નારાણ ચાવડા, રમેશ હીરા ચાવડા, મંગલ વાલા ચાવડા, વિવેક વિજય કોઠીવાર, રહે. તમામ કુકમા અને સકુંતલાબેન શંભુભાઈ બરાડિયા, પ્રિયાંશી શંભુભાઈ બરાડિયા (રહે. બન્ને ગળપાદર)  અને એક અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીના બાપ-દાદાની જમીનનો વિવાદ ચાલુમાં હોઈ આ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદીને માર મારી અસ્થિભંગની ઈજા પહોંચાડવા સાથે હુમલા દરમિયાન ભાવિન મેઘજી બરાડિયા, વિમલાબેન મેઘજી બરાડિયાને ઓછી-વત્તી ઈજાઓ કરી હતી.  દરમ્યાન સામે પક્ષે સકુંતલાબેન શંભુભાઈ બરાડિયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ભાવિન મેઘજી બરાડિયા, ધનજી માદેવા બરાડિયા, શંભુ માદેવા બરાડિયા, દર્શન દેવરાજ બરાડિયા, પ્રકાશ સામત બરાડિયા, લખીબેન માદેવાભાઈ બરાડિયા, વિમલાબેન ઉર્ફે લખીબેન મેઘજી બરાડિયા, ધનીબેન દેવરાજ બરાડિયા સામે ગુનો દાખલ કરાયો હતો. જેમાં લખાવ્યું હતું કે, આરોપીઓએ  કુહાડી અને ધોકા વડે હુમલો કરતાં હરકિશન નારાણ ચાવડાને માથાંના ભાગે કુહાડી વાગી હતી. અન્ય સાહેદોને ઓછી-વતી ઈજાઓ થઈ હતી. આરોપીઓએ ગામમાં ફેરવવાની ધમકી પણ આપી હતી. મારામારી, મહાવ્યથા અને હથિયારબંધી ભંગ સહિતની કલમો તળે પોલીસે બન્ને ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd