• શનિવાર, 07 જૂન, 2025

લોરિયા ચેકપોસ્ટના ઢાબા પાસે ખાટલામાં સૂતેલા ઝુરાના યુવાન ઉપર ટ્રક ફરી વળી

ભુજ, તા. 5 : તાલુકાના લોરિયા ચેકપોસ્ટ પાસે ઢાબા બહાર ખાટલો ઢાળી સૂતેલા ઝુરાના 45 વર્ષીય યુવાન હાસમ ઉમર સુમરા ઉપર આજે સવારે ટ્રક ફરી વળતાં તેમનું કમકમાટીભર્યું મોત થયું હતું. બીજી તરફ ગઈકાલે ખાવડા પાસેની કોટડા ચેકપોસ્ટ પાસે ટ્રેઈલરનું હાઈડ્રોલિંગ ઠાંઠું ઊંચું કરવા જતાં ઠાંઠું ઉપર જતાં જીવતા વીજતારને અડી જતાં વીજ કરંટ લાગવાથી ટ્રેઈલરચાલક એવા મૂળ બિહાર હાલે ગાંધીધામ રહેતા 42 વર્ષીય યુવાન મકબુલ ઉર્ફે બલુ ભૂરેખાનનું મોત નીપજ્યું હતું.  આ કરુણ બનાવ અંગે માધાપર પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ ઝુરાના ભાનુશાલીવાસમાં રહેતા હાસમ સુમરા લોરિયા ચેકપોસ્ટ પાસે જય બાબેરી ઢાબા ઉપર બહાર ખાટલા ઉપર સૂતા હતા, ત્યારે આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં ટ્રક નં. જી.જે.-12- બીઝેડ -2572વાળી તેમના ઉપર ફરી વળતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના ભત્રીજા ઈકબાલ તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગઈકાલે સાંજે ખાવડા બાજુના કોટડા ચેકપોસ્ટ પાસે જી.જે.-39-ટી-1939વાળા ટ્રેઈલરને હાઈડ્રોલિંગ કરી પાછળના ઠાંઠાંને લોક કરવા જતાં આ ટ્રેઈલરનું ઠાંઠું ઉપરના વીજ તારમાં અડી જતાં ચાલક એવા મકબુલ ઉર્ફે બલુને જોરદાર વીજકરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું. ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd