નવી દિલ્હી, તા. 3 : ઈરાન પર અમેરિકા - ઈઝરાયલના હુમલા વચ્ચે અમેરિકાનાં યુદ્ધવિમાનને લઈ દાવા-પ્રતિદાવાએ સ્થિતિ ગુંચવાતી નજરે પડી રહી છે. અમેરિકાને આંચકો આપતાં ઈરાને બે યુદ્ધવિમાન તોડી પાડયાનો અને પાઈલટને જીવતો પકડાયાનો દાવો કર્યા બાદ અમેરિકાએ તેનું એક વિમાન ઈરાનમાં તૂટયાને સમર્થન આપ્યું હતું. જો કે, તેના પાઈલટ અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. પાઈલટની શોધમાં અમેરિકી વાયુદળે ઈરાનની અંદર ઘૂસીને શોધખોળ શરૂ કરી છે, જ્યારે ઈરાને પાઈલટ તેના કબજામાં હોવાનો દાવો કરતાં મામલો સંવેદનશીલ બન્યો હતો. જો કે, દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પાઈલટને શોધવા ગયેલા અમેરિકી હેલિકોપ્ટરને પણ ઈરાને તોડી પાડયું હતું. દરમ્યાન દક્ષિણી ઈરાનના ખુજેસ્તાન પ્રાંતમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને અમેરિકી સ્પેશિયલ ફોર્સ વચ્ચે આમને-સામને સંઘર્ષ થયાનો દાવો કરાઈ રહ્યો છે. બન્ને પક્ષે સામસામો ગોળીબાર પણ થયો હતો. આ પહેલાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, અમેરિકાનાં હેલિકોપ્ટરોએ ઈરાની સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જે કથિત રીતે એ વિસ્તારમાં જઈ રહ્યા હતા, જ્યાં અમેરિકી પાઈલટ હોવાની આશંકા હતી. આ પહેલાં ઈરાને બે અમેરિકી ફાઈટર જેટ એફ-35 અને એફ-15-ઈ તોડી પાડવાનો દાવો કર્યો હતો અને એક અમેરિકી પાઈલટને પકડી લીધાનો પણ દાવો કર્યો હતો. પાઈલટ અમેરિકી એફ-35 વિમાનમાં સવાર હતો. આ જ કારણ છે કે, અમેરિકાએ અત્યાર સુધી પાઈલટ બાબતે મૌન રાખ્યું છે. ઈરાની સૈન્યએ એક અમેરિકી પાઈલટને કબજે કર્યો છે, જે યુદ્ધવિમાન ઈરાનમાં તૂટી પડયું હતું. અમેરિકી સેનાને શંકા હતી કે, તેમનો પાઈલટ જીવિત છે અને તેઓ તેને ઈરાનથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યા હતા. બન્નેમાંથી કોઈએ હજુ સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કે ઈન્કાર કર્યો નથી. ઈરાની મીડિયાએ દાવાને સમર્થન આપવા માટે છબીઓ પણ પ્રદર્શિત કરી છે. અગાઉ કોહગિલુયેહ અને બોયર-અહમદમાં હાજર તસનીમ ન્યૂઝના પત્રકારે જણાવ્યું હતું કે, આજે સવારે રિવોલ્યુશનરી ગાર્ડે યુ.એસ. ફાઈટર જેટને તોડી પાડયું હતું. હુમલા બાદ પાઈલટ બહાર નીકળી ઈરાની ક્ષેત્રમાં ઊતર્યો હતો. તેણે એ પણ નોંધ્યું હતું કે, અહેવાલો સૂચવે છે કે, યુ.એસ. સૈન્યને શંકા હતી કે પાઈલટ જીવિત છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાઈલટને ઈરાની સૈન્યએ પકડી લીધો હોવાની સંભાવના છે. એફ 15-ઈ યુદ્ધવિમાન અંગે અમેરિકાનો દાવો છે કે, તેનું વિમાન સુરક્ષિત છે અને તેણે ઈરાની સૈન્યના દાવાને ખોટા ગણાવ્યા છે. જો અહેવાલો સાચા સાબિત થશે તો તે યુદ્ધના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હશે. કારણ કે, હજુ સુધી કોઈ યુદ્ધમાં અમેરિકાના કોઈ પાઈલટને કેદી બનાવાયો નથી. ઈરાને ખરેખર એવું કર્યું છે તો અમેરિકાની હાઈ-ટેક શત્રોની ક્ષમતા પર પણ સવાલ ઉદ્ભવશે. એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, જો ઈરાને અમેરિકન પાઈલટને પકડી લીધો હશે તો બન્ને રાષ્ટ્ર વચ્ચે રાજદ્વારી ચેનલો દ્વારા વાત ચાલુ હશે. આજ કારણ છે કે, બન્ને પક્ષ તરફથી પાઈલટ પકડાયા હોવાની વાત પર કોઈ જાહેર સમર્થન અપાયું નથી. - ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના સેના પ્રમુખને હટાવાયા : નવી દિલ્હી, તા. 3: ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનાં રક્ષા વિભાગમાં મોટા વ્યૂહાત્મક અને પ્રશાસનિક ફેરફાર જોવા મળ્યાં છે. રક્ષામંત્રી પીટ હેગસેથે અમેરિકાની થલસેનાનાં વડા જનરલ રેંડી જ્યોર્જને તેમનાં પદ ઉપરથી હટાવી દીધા છે. એવું માનવામાં આવે છે કે, અગાઉની સરકાર સાથે ઘરોબાનાં કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. એવી પણ ચર્ચા છે કે, અમેરિકાનાં સંરક્ષણ વિભાગ એટલે કે, પેંટાગોન દ્વારા એવા તમામ અધિકારીઓને હટાવવામાં આવી રહ્યાં છે જેમની નીતિ કે વિચારધારા અગાઉની સરકાર સાથે મેળ ખાય છે.