અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : વરસાદે
ફરી ગુજરાતને બાનમાં લીધું છે. ચોમાસાની સિઝનનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન
વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર
કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ
લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ વરસાદી
આફતથી બચવા માટે તંત્ર સજ્જ છે. દરમ્યાન, પરિસ્થિતમાં આકલન અને સજ્જતા માટે ગાંધીનગર ખાતે ઉચ્ચ બેઠકમાં ચર્ચા-વિચારણા
કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ, હળવું દબાણ ગુજરાત પર આવશે,
જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધી જશે. અહીં
આ વિસ્તારમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે
પવન ફુંકાઇ શકે છે. આ સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના વિસ્તારમાં થશે. આજે કપરાડા
સવા સાત ઈંચ વરસાદથી ધમરોળાયું હતું. આ સિસ્ટમ
આગળ વધતાં કચ્છમાં પણ આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ પાકિસ્તાન
તરફ જતી રહેવા બાદ વરસાદનું પ્રમાણ ઘટશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આ દરમ્યાન
ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી
મુજબ આગામી બે દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ-સાર્વત્રિક વરસાદનું અનુમાન છે,
જેમાં કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,
અરવલ્લી, મહિસાગર, મોરબી,
સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા,
દાહોદ, પંચમહાલ, રાજકોટ,
બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા,
પોરબંદર, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
છે. રાજ્યમાં આજે સવારે 6થી સાંજના
6 કલાક દરમિયાન રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.
બોટાદ, સાબરકાંઠા, રાજકોટ અને
અમદાવાદમાં વરસાદ પડયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમ્યાન
મુખ્ય સચિવ પંકજ જોષીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટરો
સાથે વીડિયો કોન્ફરન્સથી ઇમર્જન્સી સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના
અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ તેમજ રાહત કમિશનર અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જિલ્લાઓમાં હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જે નદીઓમાં પૂર હોય
ત્યાં જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ
કરવા મુખ્ય સચિવે સૂચના આપી હતી. મુખ્ય સચિવે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને
લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ
પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. આવતીકાલે યોજાનારી જીપીએસસીની પરીક્ષાને ધ્યાને રાખીને
પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદની
આગાહી અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ધરપત આપી હતી. રાજ્ય સરકારે સમીક્ષા બેઠક
કરી છે. વરસાદની આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.