ગાંધીધામ, તા. 17 : પૂર્વ કચ્છમાં ટેલિગ્રામમાં ટાસ્ક પૂરા કરવાના બહાને બે યુવાન પાસેથી ઠગબાજોએ રૂા. 10,06,235 પડાવી લીધા હતા. ગાંધીધામના યુવાન પાસેથી રૂા. 7,59,000 તથા લાકડિયાના યુવાન પાસેથી રૂા. 2,47,235 લઈ લેવામાં આવ્યા હતા. શહેરના સુંદરપુરી ભરવાડવાસમાં રહેનારા ફરિયાદી સુનીલ પ્રહલાદ પ્રજાપતિને ગત તા. 27/4ના ટેલિગ્રામ એપ્લીકેશનમાં ફોક્સસ્નીક્સ નામના ગ્રુપમાં એડ કરાયા હતા, જેમાં આવેલી લિન્ક ખોલી રીલ્સ લાઈક કરવાના રૂા. 150 મળવાની વાત કરી હતી, જે આ યુવાને કર્યું હતું. બાદમાં તેને જુદા-જુદા ટાસ્ક મોકલાવી 20 અને 40 ટકા નફો આપવાની વાત કરાઈ હતી. ભોગ બનનારે ઠગબાજોના કહેવા પ્રમાણે ખાતામાં રૂા. 30,000, રૂા. 4500, રૂા. 18,000 મોકલાવ્યા હતા. બાદમાં નફાના પૈસા કઢાવવા જમાં ખાતું ફ્રીઝ થઈ ગયું હતું. તેણે પૂછપરછ કરતાં અનફ્રીઝ કરવા વધુ પૈસા મગાયા હતા અને જુદા-જુદા ટાસ્ક અપાયા હતા તે પ્રમાણે આ યુવાન ટાસ્ક પૂરા કરતો ગયો અને વધુ પૈસા નાખતો હતો. તેણે જુદા-જુદા ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂા. 7,59,000 આ ઠગબાજોના ખાતામાં જમા કરાવ્યા હતા, તેણે આ પૈસા કઢાવવાની કોશિશ કરતાં ટોળકીએ વધુ પૈસા માગ્યા હતા, પોતે છેતરાઈ ગયાનું જણાતાં તેણે પોલીસ ફરિયાદ કરી હતી. વધુ એક છેતરપિંડીનો બનાવ લાકડિયામાં બન્યો હતો. દીપ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરનારા રવિ મનુ દરજીને રિયા શર્મા નામ ધારણ કરનારા શખ્સે ક્લીકફનેવ નામની લિન્ક મોકલાવી હતી અને રોકાણ કરવા તથા નફો થવાની વાત કરી હતી. લિન્કમાં ટાસ્ક કેવી રીતે પૂરા કરવા તે શીખવાડવામાં આવ્યું હતું. આ યુવાન ટાસ્ક પૂરા કરી તેમાં જુદી-જુદી તારીખે પૈસા જમા કરાવતો હતો. બાદમાં ટોળકીએ વધુ પૈસા માગતાં યુવાને ના પાડી હતી. તેણે કુલ રૂા. 2,47,235 જમા કરાવી દીધા હતા. પોતે છેતરાઈ ગયાનું બહાર આવતાં તેણે પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે બંને બનાવમાં ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.