• બુધવાર, 18 જૂન, 2025

શિણાયમાં તળાવની પાળે બેઠેલા યુવાન-યુવતી પાસેથી પૈસા પડાવાયા

ગાંધીધામ, તા. 17 : તાલુકાના શિણાય ગામના તળાવની પાળે બેઠેલા યુવક - યુવતીનો વીડિયો બતાવી પોલીસની તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણ શખ્સોએ બંને પાસેથી રૂા. 2100 બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા. ગળપાદરમાં રહી આદિપુરની જૈન સેવા સમિતિ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરનાર ફરિયાદી નિધિબેન વિષ્ણુ જોશી તથા તેમના મિત્ર મનીષ પીઠડિયા ગત તા. 15/6ના સાંજે શિણાય ગયા હતા. અહીં તળાવની પાળે બંને બેસીને વાતો કરતા હતા ત્યારે એક બાઈક ઉપર કાળા રંગના કપડાં પહેરેલા ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા, જેમાં એક શખ્સ લાંબો, પાતળો તથા એક ઓછી ઊંચાઈવાળો અને એક લાંબો તથા શરીરે ભરાવદાર શખ્સ હતો. આ શખ્સોએ અહીં શા માટે બેઠા છો તેમ કહી વીડિયો બનાવ્યો હતો. અમને પોલીસે કહ્યું છે તમને પોલીસ સ્ટેશન લઈ જશું તેમ કહેતાં ફરિયાદી અને યુવાને પોલીસ મથકે જવાની તૈયારી દર્શાવી હતી. પોલીસમાં જાણ કરી છે. પોલીસ અહીં આવે છે તેવી વાતો આ શખ્સોએ કરી હતી. બાદમાં આ શખ્સોએ યુવાનને માર મારી તેના પર્સમાંથી 1100 કાઢી લીધા હતા અને બાદમાં ફરિયાદીને સ્કેનર બતાવી તેમાં બળજબરીપૂર્વક રૂા. 1000 નખાવ્યા હતા, જે નંબરમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા તેનું નામ સલીમ રાજા આવ્યું હતું. ફરિયાદી રાત્રે ઘરે હતા ત્યારે સલીમ રાજા ખાતામાંથી વધુ 1000 ટ્રાન્સફર કરવા રિક્વેસ્ટ કરતાં  ફરિયાદીએ ના  કરી દીધી હતી. બાદમાં અનિશ મલિક નામથી રિક્વેસ્ટ આવી હતી તેને પણ ફરિયાદીએ નકારી દીધું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિણાય તળાવ પાસે બેસતા લોકો પાસેથી લૂંટના બનાવો વધ્યા છે ત્યારે અહીં સતત પેટ્રોલિંગ કરવા અને આવા તત્ત્વોને ઝડપથી પકડી પાડવા માંગ ઊઠી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd