• બુધવાર, 18 જૂન, 2025

અંજાર બે ઇંચ વરસાદથી તરબતર

અંજાર, તા. 17 : અંજારમાં અસહ્ય ગરમી અને ઊકળાટ વચ્ચે બપોર બાદ ભારે ગાજવીજ અને પવન સાથે બે ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, તો ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ગ્રામીણ વિસ્તારમાં પણ સારા વરસાદથી લોકોએ રાહત અનુભવી હતી. સોમવારે પડેલા 50 એમએમ સાથે સિઝનનો કુલ 60 એમએમ વરસાદ નોંધાયો છેઅંજારથી અમારા પ્રતિનિધિ રશ્મિન પંડયાના હેવાલ પ્રમાણે શહેરમાં સોમવારે બપોર બાદ વરસાદ આવ્યો હતો અને નીચાણવાળા વીર ભગતાસિંહ નગર, મફતનગર, તેમજ અંજારથી ભુજ રોડ ઉપર આવેલા દાતણિયાવાસમાં વરસાદી પાણી ભરાયાં હોવાની ફરિયાદો મળતાં સુધરાઈના જીતુભાઈ જોશી, સાવનભાઈ પંડયા તેમજ સ્ટાફે જેસીબી તથા ટ્રેક્ટર સાથે સ્થળ ઉપર જઈને પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી. પવન સાથે આવેલા વરસાદથી શહેરમાં લગભગ ત્રણ જગ્યા ઉપર વૃક્ષો ધરાશાયી થયાં હતાં, તેને દૂર કરવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતીશહેરમાં પડેલા વરસાદથી સવાસર નાકા તળાવ, સિદ્ધેશ્વર તળાવ તેમજ તોરલ સરોવરમાં નવાં નીર આવ્યાં હતાં. વરસાદમાં વીજ સમસ્યા પણ સામે આવી હતી. ડીપીમાં તેમજ વીજ થાંભલાઓમાં ધડાકા થતાં શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્રની પ્રી-મોન્સૂનની કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. શહેરની સાથોસાથ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ દિવસ દરમિયાન સારો વરસાદ પડયો છે, પરંતુ શહેરી વિસ્તારમાં વરસાદથી મુખ્ય માર્કેટમાં પાણી ભરાતાં શાકભાજીનાં ઓક્શનમાં પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ હતી. શહેરમાં ગતરાત્રિ તેમજ વહેલી સવાર સુધીમાં હળવાં ઝાપટાંથી લગભગ 9 મિમી વરસાદ નોંધાયો હતો. સોમવારે બે ઇંચ જેટલું પાણી પડયું હતું. ઊકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતાં લોકોએ રાહત અનુભવી હતી

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd