કચ્છ યુનિ.ને `નેક'ની શુભ માન્યતા
તંત્રી સ્થાનેથી.. : દીપક
માંકડ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા
કચ્છ યુનિવર્સિટીને આખરે `નેક'ની માન્યતા મળી જતાં સીમાવર્તી જિલ્લામાં ઉચ્ચ
શિક્ષણના વિકાસના રાજમાર્ગની દિશા ખૂલી ગઇ છે. કચ્છ યુનિવર્સિટી 21 વર્ષની ભરયુવાનીમાં છે. અત્યાર
સુધી વિઘ્નદોડ ચાલતી હતી. હવે નવા જોમ-જુસ્સા સાથે ઝડપી કૂચ શરૂ થશે. શિક્ષણ સંસ્થાના
સર્વાંગી વિકાસ સાથે અહીં અભ્યાસ કરતા છાત્રોની ક્ષમતા વિકસે, સંશોધનો માટે મોકળું મેદાન મળે અને તેમના માર્ગદર્શક
એવા પ્રાધ્યાપકો-અવનવી ફેકલ્ટી સાથે ઉપલબ્ધ થાય એવો માહોલ ઊભો કરવો જરૂરી છે અને સદ્નસીબે
એ માટેની ભૂમિકા રચાઇ ગઇ છે. કચ્છી નવાં વર્ષે આષાઢી બીજની આ આગોતરી ભેટ છે. `નેક'ની માન્યતા માટે કચ્છ યુનિ.ની ટીમે ભરપૂર મહેનત કરી હતી. તેના પરિણામ સ્વરૂપ
`સી' દરજ્જો મંજૂર થયો છે. કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલનું કહેવું યોગ્ય છે
કે, એક્રેડિટેશન પ્રાપ્ત થવું એ જ મોટી સિદ્ધિ છે. એક પડાવ પાર
થયો છે. સાદા શબ્દોમાં કહીએ તો અભિમન્યુનો છઠ્ઠો કોઠો ભેદી શકાયો છે. હવે ગ્રેડેશન
સુધારવાના પ્રયાસો હાથ ધરવા પડશે. એપગ્રેડેશનનો સાતમો કોઠો પાર કરવા માટે અધૂરાશો દૂર
કરવી રહી. ખાસ તો ટીચિંગ-નોન ટીચિંગ સ્ટાફની ભરતી વહેલી તકે હાથ ધરવી રહી. એક મહત્ત્વની
વાત કચ્છમિત્રના પોડકાસ્ટમાં કુલપતિ મોહનભાઇએ `નેક'
માન્યતા મળ્યા પછીના એક મહિનામાં નવી ભરતી કરી લેવાની ખાતરી આપી હતી.
અહીં એ નોંધનીય છે કે, `નેક' રચિત ગ્રેડ સિસ્ટમમાં શિક્ષણ, માળખાંકીય સુવિધાઓ, સંશોધન, શિક્ષણ
સહિતના સંદર્ભમાં ગુણવત્તાની ચકાસણીનો સમાવેશ થાય છે. કચ્છ યુનિ. માટે અગાઉના વર્ષો
કપરાં હતાં, ખાસ પ્રગતિ નહોતી, કોરોનાએ
ગતિ જ ખોરવી નાખી હતી. ગ્રેડ `સી' મળવા માટે
આ બધા કારણો જવાબદાર મનાય છે. ધીરે-ધીરે બધું પાટે ચડવા લાગ્યું ને હવે પૂરતી ગ્રાન્ટ
મળશે, કચ્છ યુનિવર્સિટીના છાત્રો અને અધ્યાપકો માટે નવી દિશા
ખૂલશે, શૈક્ષણિક અને વહીવટી પ્રક્રિયામાં વધુ ઝડપી ટેક્નોલોજી
દાખલ કરવાથી માંડીને સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવું, નવી
શિક્ષણ નીતિ મુજબ પ્રોગ્રામ્સના સિલેબસ અપડેટ કરવા, દેશભરમાંથી
વિદ્યાર્થીઓને કચ્છ ખેંચી લાવવા જેવા લક્ષ્ય પ્રાપ્ત થઇ શકશે. યાદ રહે... ઉચ્ચ અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીથી વિશેષ કંઇ અગત્યનું હોતું નથી. ધો. 12નાં પરિણામ પછી છાત્રો કચ્છ બહાર દોડ લગાવે છે, એના પાછળ મૂળ કારણ સારું વાતાવરણ મળવા ઉપરાંત નોકરીની ઉજ્જવળ તકો પ્રાપ્ત કરવાનું
હોય છે. કચ્છ યુનિ.ને એવા સ્તરે લઇ જવાની છે, જ્યાં છાત્રોને
સારાં પ્લેસમેન્ટ મળે. તંદુરસ્ત-એકદમ હકારાત્મક
માહોલ ઊભો થાય. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસ કોઇ પણ શિક્ષણ સંસ્થા
માટે પ્રાથમિક ફરજ બની રહે છે. કચ્છ વિશિષ્ટ જિલ્લો છે તેમ કચ્છ યુનિવર્સિટીમાં આ પ્રદેશની
ખૂબી, ક્ષમતા, ઔદ્યોગિક વિકાસને ધ્યાને
લઇને અભ્યાસક્રમો દાખલ કરવા જરૂરી છે. હવે તે થઇ શકશે એવી આશા અસ્થાને નથી. નેશનલ એક્રેડિટેશન
એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક) સરકાર માન્ય એજન્સી છે, જે દર
પાંચ વર્ષે વિવિધ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કરીને ગ્રેડિંગ આપે છે. કાર્ય પદ્ધતિ
એવી છે કે, સાત માપદંડના આધારે ક્વોલિટી એન્ડ ક્વોન્ટેટીવ રિપોર્ટ
તૈયાર બનાવાય. `બી' ગ્રેડ મેળવવામાં કચ્છ યુનિ. થોડાક અંક પાછળ
રહી ગઈ. ભારતની `નેક' માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓ સાથે રેટિંગમાં
આવી ગયા પછી કચ્છ યુનિવર્સિટીની ટીમે આગળના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કમર કસવી રહી,
પારદર્શકતા અને પ્રતિબદ્ધતા સાથે. અને છેલ્લે... 2001ના ધરતીકંપ પછી કચ્છ કણસી રહ્યું
હતું, બેઠા થવાનો પુરુષાર્થ ચાલી રહ્યો હતો,
ત્યારે જ્યુબિલી મેદાનમાં સેમી
પરમેનેન્ટ કચેરીઓ પૈકી એક રૂમ પર કચ્છ યુનિવર્સિટીનું બોર્ડ લાગ્યું હતું. પોતિકાં
વિશ્વવિદ્યાલયના માધ્યમથી ઉચ્ચ શિક્ષણના વિકાસના સપનાં જોતાં કચ્છ માટે હવે સ્થાપનાનાં
21 વર્ષે એ પળ આવી. કચ્છના છાત્રોના
વિકાસ માટે માણેકસ્થંભ રોપાયો છે એમ કહી શકાય.