ભુજ, તા. 17 : સામાન્ય રીતે કચ્છી નવું વર્ષ
અષાઢી બીજના અરસામાં અને આદ્રા નક્ષત્રની શરૂઆત બાદ કચ્છમાં મેઘરાજાની મહેર શરૂ થવાનો
ક્રમ આ વરસાદી ઋતુમાં આગોતરી મેઘમહેરના લીધે બદલાયો છે. આગાહી મુજબ છેલ્લા ચારેક દિવસથી
કચ્છમાં શરૂ થયેલી વરસાદી હેલી આજે ઝાપટાંથી નોંધપાત્ર સ્વરરૂપમાં જિલ્લાના 10 તાલુકામાં વરસી અવિરત રહી હતી.
ગત મધ્યરાત્રિથી આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ગાંધીધામ શહેરમાં સૈથી વધુ 112 મી.મી. વરસાદ વરસ્યો છે, તો માંડવીમાં 94, નખત્રાણામાં 78, અંજારમાં 67, ભચાઉમાં 64, મુંદરામાં 55 અને ભુજમાં 37 મી.મી. પાણી આભમાંથી ધરતી ઉપર
વરસ્યું હતું. છેવાડે આવેલા લખપત અને અબડાસા વિસ્તારમાં ઝાપટાંના રૂપમાં વરસાદ થવા
સાથે ચોમેર પાણીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ચોમાસું શરૂ થઈ ગયાનો અહેસાસ કરાવનારા
આગોતરા વરસાદના પગલે ખેડુત વર્ગ વાવણીમાં અને બિયારણ લેવા સહિતની કામગીરીમાં પ્રવૃત્ત
બન્યો છે. - ગાંધીધામમાં ધોધમાર : ચોમાસાંનો જમાવટભર્યો માહોલનો અણસાર આપતા મેઘરાજાએ આજે બપોરે વિકસિત નગર ગાંધીધામમાં માત્ર
બે કલાકમાં ચાર ઈંચ પાણી વરસાવ્યું હતું, તો જિલ્લા મથક ભુજમાં પણ બપોરે ત્રણ વાગ્યા બાદ ધમાકેદાર વરસાદી એન્ટ્રીના
પગલે ચોમેર પાણીપાણી દેખાયું હતું. ભુજમાં દોઢ ઈંચ જેટલા વરસાદને લઈને દરવખતે પરંપરાગત
રીતે જ્યાં પાણી ભરાય છે તેવા એસ.ટી. બસ સ્ટેશન, ઘાસવાળી વંડી,
એન.સી.સી. ઓફિસ નજીક વગેરે સ્થળે પાણીનો ભરાવો થયો હતો, તો ભુજ અને ગાંધીધામમાં અનેક વિસ્તારોમાં વિજળી પૂરવઠો ગુલ થયો હતો. આજે વધુ
વરસાદવાળા અંજાર, નખત્રાણા, ભચાઉ અને માંડવી
મુંદરા સહિતના વિસ્તારોમાં આવો જ સિનારિયો અને ફરિયાદો સપાટી ઉપર આવ્યો હતો. સદ્ભાગ્યે
વરસાદના કારણે કયાંયથી કોઈ નુકસાનીના સમાચાર આજે સાંજ સુધી બહાર આવ્યા નથી. - પશ્ચિમ કચ્છમાં ઝાપટાં : જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કાર્યરત નિયંત્રણ
કક્ષ દ્વારા ગત રાત્રિના 12 વાગ્યાથી
આજે સાંજે પાંચ વાગ્યા સુધીના જાહેર કરેલા વરસાદી આંકડા મુજબ ગાંધીધામમાં 112 મી.મી., માંડવીમાં 94 મી.મી., નખત્રાણા વિસ્તારમાં 78 મી.મી., અંજાર
પંથકમાં 67 મી.મી., મુંદરામાં 55 મી.મી., અને ભુજમાં 37 મી.મી. પાણી વરસ્યું હતું.
અબડાસા અને લખપતમાં ઝાપટાં સ્વરૂપે મેઘાની હાજરી રહી હતી. સત્તાવાર રીતે અબડાસાનો આજનો
વરસાદ આઠ મી.મી. જ્યારે લખપતનો વરસાદ 0 નોંધવામાં આવ્યો છે. - પવન સાથે ગાજવીજ : દરમ્યાન જિલ્લામાં જ્યાં આજે વધુ અને નોંધપાત્ર વરસાદ વરસ્યો
તે વિસ્તારોમાં તેજ પવન અને વિજળીના ચમકારા અને ગર્જના સાથે માહોલ બિહામણો બન્યો હતો.
ખાસ કરીને શહેરી વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થવાની રાબેતા મુજબની
મુશ્કેલીઓ ઊભી થઈ હતી. વિધુત ટ્રાન્સફોર્મરમાં ઘડાકા થવા સાથે વિજળી ગુલ થવાની ફરિયાદો
પણ અનેક સ્થળેથી મળી હતી. - તળાવોમાં
નવાં નીર : બીજીબાજુ સખત ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે
થયેલી મેઘમહેરના લીધે લોકોને તાપ અને ગરમીથી થોડી રાહત વર્તાઈ હતી. અમુક ગ્રામ્ય વિસ્તારોના
તળાવ અને ડેમમાં નવા વરસાદી પાણીની આવક પણ શરૂ થઈ હતી, જ્યારે હવે વરસાદી દૈર વિધિવત આરંભાઈ ચૂકયાના
અહેસાસ વચ્ચે ધરતીનો તાતવર્ગ પણ વાવણબી અને બીજ લેવા સહિતની ખેતીની આનુસંગિક કાર્યવાહીમાં
પ્રવૃત્ત બનેલો જોવા મળી રહ્યો છે. - આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે
અતિભારેની આગાહી : અરબી સમુદ્રમાં
સર્જાયેલાં હવાના હળવા દબાણને લઈને કરાયેલી આગાહી મુજબ વરસતા આ આગોતરા વરસાદ વચ્ચે
આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
છે. આ વરસાદી માહોલ આ પછી આખું અઠવાડિયું બરકરાર રહેવાનો વર્તારો પણ સતાવાર સાધનો-તંત્રો
દ્વારા અપાયો છે.