મુંદરા , તા. 17 : મુંદરા શહેર અને તાલુકાભરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે. સોમવારે સાંજે ઝાપટું પડયા બાદ રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને એક તબક્કે ભયનો માહોલ સર્જાય તેટલી ગર્જના થઈ હતી. મુંદરામાં એક સોસાયટીમાં વીજળી પડવાની ઘટના પણ બહાર આવી છે. સદભાગ્યે ઈજાના અહેવાલ નથી. મંગળવારે સાંજે આ લખાય છે ત્યાં સુધી મુંદરામાં છેલ્લા 24 કલાકમાં 62 મીમી વરસાદ પડી ચૂક્યો છે. સત્તાવાર આંકડા મુજબ સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધીમાં એક રાત દરમિયાન 41 મીમી વરસાદ નોંધાયો હતો. મંગળવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગમે ત્યારે વરસાદ તૂટી પડશે એવાં ગોરંભાયેલા વાતાવરણ બાદ અંતે સાંજે ચાર વાગ્યાના અરસામાં ફરી વીજળીના કડાકા સાથે એન્ટ્રી થઈ હતી અને ઝાપટાંમાં વધુ 14મી એટલે કે અડધાથી વધુ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે અત્યાર સુધીનો કુલ વરસાદ 55 મીમીથી વધુ નોંધાયો છે. તાલુકા વિસ્તારોના હેવાલ મુજબ, ગુંદાલા, વાંકી, ભુજપુર પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદના વાવડ છે. મુંદરા શહેરમાંથી મળતા અહેવાલો મુજબ જૈન નગર વિસ્તારમાં વિજયાપાર્ક સોસાયટીમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યાના અરસામાં એક મકાનમાં વીજળી પડી હતી. ધડાકો એટલો જોરદાર હતો કે, આસપાસના લોકો ડરી ગયા હતા. જે મકાન પર વિજળી પડી એના બેડરૂમમાંથી પોપડાં ખરીને પથ્થરો ઘરમાં પડયા હતા. જો કે, એ રૂમમાં કોઈ સૂતું ન હોવાથી ઇજા સદભાગ્યે કોઈને ઈજા નથી. વીજળી પડી એ મકાનની આસપાસ તમામ ઘરોમાં વીજળી ઉપકરણોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે. બીજીતરફ, શહેરમાં વીજળીના ધાંધિયા પણ શરૂ થઈ ગયા છે. ખાસ કરીને ગામ વિસ્તારમાં બપોરથી છેલ્લા ચાર કલાકથી વીજળી પુરવઠો પૂર્વવત ન થયાની ફરિયાદ ઉઠી છે. સોમવારે રાત્રિના ભાગે પણ ગામના આંતરિક વિસ્તારોમાં વીજળી ન હોવાથી લોકો પૂરતી ઊંઘ કરી શક્યા ન હોતા. સવારે શહેરના જવાહર ચોકમાં ડીપી નજીક પહોંચેલી ગાયે વીજ કરંટને કારણે જીવ ગુમાવ્યો હતો. આ ખુલ્લા કોઈ વાડ વિનાના ડીપીઓ અતિશય જોખમી બન્યા છે. લોકોએ માંગ ઉઠાવી કે, તંત્રએ આવા ડીપીની આસપાસ જ્યાં બાકી હોય ત્યાં વાડ મૂકી દેવી જોઈએ. આ તબક્કે નવા બની ગયેલા બારોઈ રોડમાં પણ દ્વિચક્રી વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બહાર આવી હતી. સાંજે વધુ સાત મીમી વરસાદ થયો હતો. પત્રી ગામમાં મંગળવારે બપોર પછી જામેલાં વાતાવરણ વચ્ચે રાત સુધીમાં લગભગ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.