નવી દિલ્હી, તા. 17 : જી7 દેશના નેતાઓએ
પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવાની અપીલ કરી છે, સાથે સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે ઈઝરાયલને આત્મરક્ષણ કરવાનો પૂરો અધિકાર
છે. કેનેડાના વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા જી7 દેશના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું
છે કે, જી7 દેશના નેતા પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાનું સમર્થન કરે
છે. સાથે પુષ્ટી કરે છે કે ઈઝરાયલને આત્મરક્ષાનો અધિકાર છે. ઈઝરાયલની સુરક્ષાનું સમર્થન
કરવામાં આવે છે અને તેઓ સામાન્ય નાગરીકોની
સુરક્ષાના પણ પક્ષધર છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા તણાવને પગલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
જી-સાત મંત્રણા અધવચ્ચે છોડીને અમેરિકા પરત ગયા હતા. તેમણે કહ્યું હતું કે,
ઇરાને પરમાણુ કાર્યક્રમ સદંતર બંધ કરવો જ પડશે. ટ્રમ્પે જી-7માં રશિયા અને ચીનને પણ સામેલ કરીને જી-9 બનાવવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો. જી7 દેશના સંયુક્ત નિવેદનમાં ઈરાનને ક્ષેત્રીય સ્થિરતા માટે જોખમ અને આતંકવાદનો ત્રોત
બતાવવામાં આવ્યું છે. જી7 દેશોએ કહ્યું
છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર રાખી શકશે નહીં. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પ દ્વારા પણ આવું જ નિવેદન આપવામાં આવ્યું હતું. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 13 જૂનથી સંઘર્ષ શરૂ થયો હતો જ્યારે
ઈઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ઈરાની સેનાના ઉચ્ચ
અધિકારીઓ અને અમુક વૈજ્ઞાનિકોએ જીવ ગુમાવ્યો હતો. બાદમાં ઈરાને પણ વળતો પ્રહાર કર્યો
હતો. - ઈરાનના હવાઈક્ષેત્ર
પર અમારું સંપૂર્ણ નિયંત્રણ : ટ્રમ્પ : વાશિંગ્ટન, તા. 17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, અમેરિકા હવે ઈરાનના હવાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ
નિયંત્રણ ધરાવે છે. ઈરાન પાસે સારા શસ્ત્રો અને સ્કાય ટ્રેકર છે, પરંતુ અમેરિકા કરતા સારા નથી. ટ્રમ્પે
ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવાની
ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે, તેહરાનના લોકોએ તાત્કાલિક
શહેર ખાલી કરી દેવું જોઈએ. `ઈરાને તે કરાર (અણુ સમજૂતી) પરહસ્તાક્ષર કરવા જોઈતા હતા જે મેં
તેમને કહ્યું હતું. મને માનવ જાનહાનિનું દુ:ખ છે. હું સ્પષ્ટપણે કહું છું કે, અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દઈશું નહીં.
2018માં અમેરિકા પહેલાથી જ ઈરાન
સાથેના જોઈન્ટ કોપ્રીહેન્સિવ પ્લાન ઓફ એક્શનમાંથી ખસી ગયું હતું. આ કરાર હેઠળ, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે,
ઈરાન લશ્કરી હેતુઓ માટે પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં. જો કે,
ઈરાન હંમેશાં કહેતું આવ્યું છે કે, તે નાગરિક હિત
માટે પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યું છે, પરંતુ અમેરિકા અને ઈઝરાયલ
આ અંગે શંકા કરે છે.