• બુધવાર, 18 જૂન, 2025

ભુજોડી પુલ પરથી ડમ્પર ખાબક્યું

ભુજ, તા. 17 : નિર્માણમાં થયેલા વિલંબથી માંડી કાર્યરત થયા બાદ ગુણવત્તાને લઈ સતત ચર્ચામાં રહેલા તાલુકાના ભુજોડી ઓવરબ્રિજ પરથી મંગળવારે પસાર થઈ રહેલું તોતિંગ ડમ્પર પુલની રેલિંગ તોડી નીચે ખાબક્યું હતું. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ત્રણ જણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, પવન, નીલેશ અને ખેરાજભાઈ ડમ્પરમાં જઈ રહ્યા હતા, ત્યારે પુલ પર પહોંચતાં ડમ્પર બેકાબૂ થયું હતું અને બ્રિજની રેલિંગ તોડીને સર્વિસ રોડ પર ઊંધું પડયું હતું, જેમાં પવન, નીલેશ અને ખેરાજને ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ 108ને કરાતાં એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સદ્ભાગ્યે આ દુર્ઘટના સમયે કોઈ વાહન નીચેથી પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બનાવના પગલે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં, તો થોડો સમય સુધી ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. બીજી તરફ નજરે જોનારાઓએ જણાવ્યું હતું કેપસાર થતી વેળાએ ડમ્પર  ટ્રેક્ટર સાથે અથડાયું હતું, જેમાં ટ્રેક્ટરને પણ ભારે નુકસાન થયું હતું અને ટ્રેક્ટર દૂર સુધી ફંગોળાયું હતું દરમિયાન તેની ટ્રોલી અલગ થઈ ગઈ હતી. ધડાકાભેર થયેલી ટક્કર બાદ ડમ્પરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો   અને થોડે દૂર ગયા બાદ પુલની રેલિંગ તોડી નીચે ખાબકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એકાદ વર્ષ પહેલાં પણ પુલ પરથી વાહન નીચે પડવાનો બનાવ બન્યો હતો, તો ડામરની ગુણવત્તા સામે પણ અનેકવાર સવાલ ઊઠી ચુક્યા છે. નોંધનીય છે કે, આ ઓવરબ્રિજના નિર્માણમાં વર્ષોનો વિલંબ થયો હતો, જેના કારણે વાહનચાલકોને ટ્રાફિકજામ સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. દરમિયાન, સવારે બનેલી આ ઘટના અંગે મોડી સાંજ સુધી પણ પોલીસ દફતરે કોઈ નોંધ થઈ નહોતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd