ભુજ, તા. 17 : લખપત તાલુકાના મુરચબાણ ગામની સીમમાં ગેરકાયદે ખનિજ ખનન અંગે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ત્રણ ડમ્પર તથા હાઈડ્રોલિક મશીન કબજે કર્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મુરચબાણના સીમ વિસ્તારમાં આવેલા તળાવની બાજુમાં મશીન વડે ગેરકાયદેસર બેન્ટોનાઈટનું ખોદકામ ઝડપાયું હતું. આ કાર્યવાહીમાં બે હિટાચી મશીન તથા જીજે 12 બીવાય 1032, જીજે 12 એવાય 5244 અને જીજે 12 એયુ 6735 નંબરના ત્રણ ડમ્પર મળી આવ્યા હતા, જે પૈકી બેમાં 15-15 ટન બેન્ટોનાઈટ ભરેલું હતું. આ ખોદકામ અંગે સુપરવાઈઝર હિતેશ શામજીભાઈ બરાડિયાને ખનન અંગેના પાસ-પરમિટ મગાતાં રજૂ કરાયેલી મંજૂરી અને જગ્યામાં તફાવત જણાયો હતો. પોલીસે વાહનો-મશીનો તથા ખનિજ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.