ભુજ, તા. 17: ભારે ઊકડાટ અને તાપ વચ્ચે આગાહી સાચી પડી હોય તેમ છેલ્લા બે દિવસથી કચ્છ પર મેઘરાજા મહેબારન બન્યા હતા. ભુજ શહેર અને તાલુકામાં એકથી અઢી ઈંચ સુધી વરસાદી હેલીથી નદી-નાળાંમાં નવા નીરની આવ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. વરસાદી ઝડીને પગલે ખેડૂતો-માલધારીઓના મોઢા મલક્યા હતા. જો કે, કેસર કેરી - ખારેકને નુકસાન પહોંચવાની ભીતિ પણ વ્યક્ત થઈ હતી. - માધાપરમાં કાચું સોનું વરસ્યું : ગઈ કાલે રાત્રીથી શરૂ થયેલ વરસાદ આજે બપોર બાદ ધોધમાર રૂપે સતત વરસી રહ્યો છે. ધરતીપૂત્રોના જણાવ્યા મુજબ આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે તથા આ સાથે કેરીના પાકને તથા ખારેકને નુકસાન થઈ શકે છે. નદીમાં સારું એવું પાણી વહ્યું હતું. બાળકોએ રસ્તા પર ભરાયેલા પાણીમાં ધૂળાકા મારી મોજ કરી હતી. નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ થઈ હતી. - દહિંસરા પંથક એક કલાક બે ઈંચ : ગઈ કાલે મોંઘેરા મીં મહેમાન બનીને આવી 15 મિનિટ વરસી શુભ શરૂઆત કરી ગયા પછી આજે સાંજે 4થી 5 કલાકે મન મુકીને વરસી પડતાં વાવણીલાયક વરસાદથી આનંદ પ્રસર્યો છે. એક કલાકમાં બે ઈંચ પાલર પાણી વરસ્યું હતું. શેરી નાલા, વોકળા, પુલોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. કિસાનો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. માલધારીઓ પશુપાલકો ખુશખુહાલ થઈ ઉઠયા હતા. આસપાસના ગામો ચુનડી, ધુણઈ, સરલી, ગોડપર, મેઘપર, નારાણપર, ખત્રીતળાવ ભુજ તરફ ભારે વરસાદના વાવડ મળ્યા હતા. વહેલા ચોમાસાની મહેમાનગતી સૌએ આવકારી છે. સરલી, રામપર, ગોડપર, ધુણઈની નદીઓ બે કાંઠે વહી હતી. તેવું પ્રતિનિધિ નરેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું. - પચ્છમ વિસ્તારના તળાવોમાં નવાં નીર : સુમરાપોરથી મુસા સુમરાના અહેવાલ અનુસાર ભુજ તા.ના સરહદી - પંચ્છમ વિસ્તારમાં પાણી માટે તડપતી પ્રજા અને અબોલ પશુધનની રાવ કુદરતે સાંભળતા ગત મોડી રાત્રે ઝાપટારૂપી વરસાદ પડયો હતો. તો આજે બપોર બાદ ફરી મેઘો મહેરબાન થતા એકાદ ઈંચથી વધુ વરસાદ પડયો હતો. સુકાભઠ્ઠ-તળાવોમાં નવા પાલર પાણીની આવક થતાં હવે પાણીની પીડામાં રાહત થશે. તેમજ ઘાસ-પાણી પણ સમયસર વરસાદથી સારા પ્રમાણમાં થશે એવી પશુપાલકોને આશા બંધાઈ છે. કાળા ડુંગરમાં પણ સારો વરસાદ થયો હોવાનું માલધારીઓએ વાવડ આપ્યા હતા. અદાણી ઈ-પાર્ક તેમજ આખા રણ પટ્ટામાં સરો વરસાદ થતાં રણમાં સારા પ્રમાણમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાયાં છે. જેથી અહીં વિવિધ કામ હાલે ઠપ્પ થયા છે. જેથી વરસાદની સિઝનમાં ત્રણેક માસ કામોબંધ થવાના કારણે રોજગારીમાં આ વર્ગને મોટી અસર વર્તાશે. કુરન સુમરાપોરથી કરી આખા પંથકમાં વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. - બન્ની પર મેઘ મહેર : તો અલી રાયશીપોત્રાના જણાવ્યાનુસાર બન્નીના તમામ 49 ગામોમાં વરસાદની વાવડ મળી રહ્યો છે. અડધા થી 1 ઈંચ જેટલો વરસાદ પડતા માલધારી યુવકને સારા ચોમાસાની આશા બંધાઈ છે. - કોટડા (ચ.) આસપાસનાં ગામોમાં માલધારીઓ ખુશ : કોટડા (ચ.)થી પદ્ધર, કાળીતલાવડી સહિત વિસ્તારમાં વરસાદથી નદી-નાળાં જીવીત બન્યા હતા. કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ગઈકાલ રાતથી વરસાદી ઝાંપટા વચ્ચે આજે બપોર બાદ સાંજે ચાર વાગ્યેથી સાંજ સુધી વરસાદે ભુજ તા.ના પદ્ધર, કાળીતલાવડી, લાખોંદ, કોટડા ચકાર, થરાવડા સહિત વિસ્તારોમાં વરસાદે માલધારીઓને મોજ કરાવી દીધી હતી. અબોલ પશુધન ખુશહાલ થઈ ગયા છે. તેવું રેહા સરપંચ ગેલુભા જાડેજાએ જણાવ્યું હતું. આ વરસાદી માહોલ વચ્ચે 2થી 3 ઈંચ પડયો છે અને સાંજ સુધી વરસાદ ચાલુ છે તો બીજી બાજું કચ્છી કેરી, જાંબુ, ખારેક સહિત પાકોના નુકસાની ભોગવવાનો વારો આવી શકે તેવું પદ્ધરના અગ્રણી રમેશભાઈ ખુંગલાએ જણાવ્યું હતું. ખેતરોમાં પાણી ભરાયા હતા. તો અમુક ઘરોમાં પણ પાણી ભરાયા હતા. તેવું પ્રતિનિધિ ફકીરમામદ ચાકીએ જણાવ્યું હતું.