રવાપર (તા. નખત્રાણા), તા. 3 : તાલુકાના
છારીઢંઢ વિસ્તારમાં સોલાર પ્લાન્ટ શરૂ કરનાર કંપની સામે સ્થાનિક લોકોને રોજગારી, આડેધડ ખનન અને કબજા અંગે ફુલાય ગ્રામ પંચાયત
હેઠળના 11થી વધુ ગામના પ્રતિનિધિઓ દ્વારા કોંગ્રેસના
જિલ્લા પ્રમુખ અને જિ.પં.ના વિપક્ષી નેતાને રજૂઆત કરાતાં છારી ખાતે બેઠક યોજાઇ હતી
જેમાં સ્થાનિક લોકો લડત કરશે તો પક્ષ દ્વારા સહકાર આપવાની ખાતરી અપાઇ હતી. કંપની દ્વારા
ગ્રા.પં.ની મંજૂરી વિના જમીન સંપાદન કરાય છે જેમાં તળાવ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ગામતળ
જમીન, માલિકીના ખેતર, ગૌચર અને પક્ષીઓ માટેની
અનામત જમીનો ઉપર કામગીરી હાથ ધરાતી હોવાની સરપંચ જબ્બાર જત, આગેવાન
જકરિયા જત, બેગમામદ સહિતનાએ રજૂઆત કરતાં ઉમેર્યું હતું કે,
આ અંગે મુખ્યમંત્રી, ધારાસભ્ય અને જિલ્લા કલેકટરને
રજૂઆત કરાઇ હોવાનું ઉમેર્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે ગ્રા.પં.ને
સાથે રાખી કાયદાકીય લડત શરૂ કરવાની જરૂરતની માહિતી આપી જરૂર પડે અધિકારીઓ સમક્ષ સ્થાનિક
વિકાસ, રોજગારી પ્રશ્ને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી. જિ.પં.
વિપક્ષી નેતા રાજેશભાઇ આહીરે નિયમો હેઠળ સંપાદન થયેલી જમીનની માહિતી મેળવી સ્થાનિક
પ્રશ્નોની ફાઇલ તૈયાર કરી યોગ્યસ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ગ્રા.પં.ના સરપંચના
નેતૃત્વ હેઠળ સામાન્ય સભા અને ગ્રામસભા યોજી પ્રતિનિધિ કમિટી સહિત જરૂર પડયે કાયદાકીય
અને લોકોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવાની ખાતરી પી.સી. ગઢવીએ આપી હતી.
સંચાલન તા.પં. સભ્ય અશ્વિનભાઇ રૂપારેલે કર્યું હતું. રણજિતસિંહ જાડેજા, રમેશદાન ગઢવી, શાંતિલાલ નાયાણી, રામદેવસિંહ જાડેજા, મામદ જુંગ જત, વેરશી મહેશ્વરી વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.