અંજાર, તા. 3 : અંજારના સવાસર નાકા પાસે આવેલી
અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સબ માર્કેટયાર્ડ (જથ્થાબંધ શાકભાજી માર્કેટ)માં
વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતાં ખેડૂતો, વેપારીઓ, ગ્રાહકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો
કરી રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ માર્કેટમાં
ગંદકીના નિકાલ અને વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ચોમેર કાદવ-કીચડ,
સડેલા શાકભાજીનો કચરો, ગંદું પાણી અને અસહ્ય દુર્ગંધ
સહિતની સ્થિતિ સર્જાઈ છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે
તેમજ વેપારીઓ અને ગ્રાહકો ખરીદી-વેચાણ માટે આ માર્કેટમાં આવતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ એવી બની ગઈ છે કે, માર્કેટમાં અવરજવર
કરવી પણ જોખમી બની ગઈ છે. કાદવ અને લપસણા રસ્તાઓનાં કારણે દ્વિચક્રી વાહનચાલકો વારંવાર
સ્લીપ થઈ જવાના બનાવો બનતા હોવાનું જાણવા મળ્યું છે. માર્કેટમાં ગંદકીના નિકાલની કોઈ
અસરકારક વ્યવસ્થા નથી. અસહ્ય દુર્ગંધનાં કારણે વેપારીઓ અને ગ્રાહકોને ભારે મુશ્કેલી
પડી રહી છે, જો સમયસર સફાઈ અને ગંદકીના નિકાલની કામગીરી હાથ ધરવામાં
નહીં આવે તો ચેપી રોગચાળો ફાટી નીકળવાની પણ ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ સબ માર્કેટયાર્ડમાંથી અંજાર ખેતીવાડી ઉત્પન્ન
બજાર સમિતિને દર વર્ષે લાખો રૂપિયાની આવક થાય છે. છતાં જાળવણીનાં નામે કોઈ અસરકારક
કામગીરી થતી ન હોવાનો વેપારીઓ અને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. દર વર્ષે વરસાદ પડતાં
સમગ્ર માર્કેટમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં હોવાથી માર્કેટ બેટમાં ફેરવાઈ જતી હોય તેવી
સ્થિતિ સર્જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, વર્ષો વીતી ગયા છતાં
વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ મજબૂત આયોજન કે સુવિધા ઊભી કરવામાં આવતી ન હોવાના
આક્ષેપ લોકો કરી રહ્યા છે.