ભુજ, તા. 3 : સામાન્ય રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
એટલે કે એઆઈને કાર્યને સરળ બનાવવા અને લોકોની તકલીફ દૂર કરવા માટેના પર્યાય તરીકે જોવામાં
આવે છે પરંતુ અહીંની આરટીઓમાં લાયસન્સની પરીક્ષા જેવા મહત્ત્વના કાર્યને એઆઈ હેઠળ લેવાયા
બાદ થોડા જ વરસાદમાં આધુનિક સિસ્ટમની પોલ ખૂલી હોય એમ ટુવ્હીલરની પરીક્ષા ઠપ પડી જતાં
અરજદારોની ઉલટી હાલાકી વધી પડી છે. આજે પણ ઓછામાં ઓછા 80 અરજદારને વીલે મોઢે પાછા વળવું
પડયાની ફરિયાદ ઊઠી છે. બીજીતરફ પ્રક્રિયાને પારદર્શી બનાવવાના દાવા સાથે કરાયેલા ભારે
ખર્ચ છતાં જો અરજદારને આખો દિવસ પ્રતીક્ષા કર્યા બાદ માત્ર નવી એપોઈન્ટમેન્ટ લઈને પરત
ફરવૃં પડતું હોય તો અદ્યતન સુવિધાનો મૂળભૂત અર્થ કેમ સરે તેવો સવાલ જાણકારો ઉઠાવી રહ્યા
છે. ઉલ્લેખનીય છે કે ભુજ સહિત કચ્છમાં થોડા દિવસ પહેલાં પડેલા ચાર છાંટામાં પણ પહેલી
વખત ટુવ્હીલર પરીક્ષા લેતા એઆઈની સિસ્ટમ ઠપ પડી હતી જે ગયા સપ્તાહે ફરી વરસાદને પગલે
યાંત્રિક ક્ષતિમાં પરિણમતાં અરજદાર વર્ગને નિરાશા અને હાલાકી સાંપડી છે. જોકે, વરસાદે માત્ર ટુવ્હીલર લેતી એઆઈ સિસ્ટમને જ
પ્રભાવિત કરી છે કેમકે ફોરવ્હીલર માટેની પરીક્ષા રાબેતા મુજબ જ ચાલુ રહી હોવાનું જાણવા
મળ્યું હતું. અરજદારોએ ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે શનિવારે પણ કોઈ પરીક્ષા ન
લેવાયા બાદ આજે તેઓ ફરીથી પરીક્ષા દેવા આવ્યા
હતા. અમુક અરજદારો તો 100 કિ.મી. કરતાં
પણ વધુના અંતરેથી આવ્યા હતા પરંતુ આજે પણ ટુવ્હીલરની કોઈ પરીક્ષા લેવાઈ ન હતી અને તંત્રે
તેમને આજની એપોઈન્ટમેન્ટ રિશિડયૂલ કરવાની ધરપત આપી પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ અનુભવ્યો હોવાનો બળાપો અરજદારોએ કાઢયો હતો.
કંપનીને જાણ કરી દેવાઈ
એઆરટીઓ પાર્થ ગઢવીએ જણાવ્યૃ હતૃં કે વરસાદને કારણે સિસ્ટમને
અસર પહોંચી છે અને તે યોગ્ય કામ કરતી ન હોવાનું જણાતાં ટુવ્હીલર પરીક્ષાની કામગીરી
અટકાવીને સંબંધિત કંપનીને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને કંપનીએ પણ યુદ્ધના ધોરણે
સિસ્ટમને દુરસ્ત કરવાની ખાતરી આપી છે. આજે ટુવ્હીલરમાં સાવ પરીક્ષા લેવાઈ ન હતી તેવું
ન હતું, પરંતુ બહુ જૂજ પરીક્ષાર્થીની પરીક્ષા હાથ ધરાયા
બાદ સિસ્ટમમાં ક્ષતિ આવતી હોવાથી તેને અટકાવી દેવામાં આવી હતી.