• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ભારતે સ્વદેશી ટર્બોજેટ એન્જિન તૈયાર કર્યું

નવી દિલ્હી, તા. 3 : સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડીઆરડીઓ દ્વારા દેશનું પ્રથમ 350 કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સફળતા સાથે ભારત હવે વિશ્વના એવા ચૂંટાયેલા દેશોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયું છે, જેઓ પોતાની રીતે મિસાઈલો અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિન ડિઝાઈન અને ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ખાસ એન્જિનને ડીઆરડીઓની બેંગ્લુરુ સ્થિત લેબ `ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ' દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે, જ્યારે હૈદરાબાદની ખાનગી કંપની આઝાદ એન્જિનીયારિંગ દ્વારા તેને તૈયાર કરાયું છે. એરોસ્પેસ એન્જિનીયારિંગમાં જેટ એન્જિન બનાવવું સૌથી જટિલ કામ માનવામાં આવે છે. રોકેટથી વિપરીત, ટર્બોજેટ એન્જિન સતત હવામાંથી ઓક્સિજન ખેંચીને, તેને કપ્રેસ કરીને અને બળતણ સળગાવીને પ્રચંડ તાકાત પેદા કરે છે. આ પ્રક્રિયા માટે અત્યંત ઉચ્ચસ્તરની એરોડાયનેમિક્સ, ગરમી સહન કરી શકે તેવી ખાસ ધાતુઓ અને અત્યંત ચોક્કસ કારીગરીની જરૂર પડે છે. અત્યાર સુધી ભારત આવા નાના જેટ એન્જિનો માટે અન્ય દેશો પર નિર્ભર હતું. સ્વદેશી ટેક્નોલોજી વિકસિત થવાથી ભવિષ્યના મિસાઈલ પ્રોગ્રામ્સમાં વિદેશી નિર્ભરતા કે અટકાયતનો ડર ખતમ થઈ જશે. આ સફળતા પીએમ મોદીના `આત્મનિર્ભર ભારત' વિઝનને સંરક્ષણ ક્ષેત્રે મોટું બળ પૂરું પાડે છે. સાથોસાથ, દેશમાં જ ઉત્પાદન થવાથી આ સંરક્ષણ ઉપકરણો ઓછી કિંમતે અને ઝડપથી મોટા પ્રમાણમાં બનાવી શકાશે. ફાઈટર જેટનાં એન્જિન હજારો કલાકની ઉડાન અને વારંવારના ઉપયોગ માટે બનાવવામાં આવે છે, જ્યારે એક્સપેન્ડેબલ એન્જિન માત્ર એક જ મિશન માટે ડિઝાઈન કરાય છે. મિસાઈલ કે ડ્રોન લોન્ચ થયા પછી આ એન્જિન તેને લક્ષ્ય સુધી પહોંચાડીને તેની સાથે જ નષ્ટ થઈ જાય છે. તેથી, તેને લાંબા આયુષ્યને બદલે સરળતા, અત્યંત વિશ્વસનીયતા, નાનું કદ અને ઓછી કિંમત ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવે છે. આ એન્જિન લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલોને ઓછી ઊંચાઈએ પૂરઝડપે ઊડવામાં મદદ કરશે, જેથી દુશ્મનના ઠેકાણાઓ પર સચોટ નિશાન સાધી શકાશે. સામાન્ય પ્રોપેલરવાળા ડ્રોનની સરખામણીએ આ જેટ એન્જિનવાળા ડ્રોન 400 કિ.મી./કલાકથી વધુની સ્પીડ પકડી શકે છે, જેમને રોકવા દુશ્મન માટે અત્યંત મુશ્કેલ બને છે. આ સિવાય, સેનાના એર ડિફેન્સ સિસ્ટમના ટેસ્ટિંગ માટે ટાર્ગેટ ડ્રોન અને જાસૂસી મિશન માટે હાઈસ્પીડ યુએવીમાં પણ આ એન્જિન ઉપયોગી થશે.

Panchang

dd