ભુજ, તા. 3 : ઓનલાઈન ઠગબાજો યેનકેન પ્રકારે
લોકોને ફસાવી બેંકખાતામાંથી નાણાં સેરવી લેતા હોવાના બનાવો વધ્યા છે. જેને લઈ અનેક
ફરિયાદો પોલીસ સમક્ષ આવતી હોય છે ત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીએ છેલ્લા ચાર-પાંચ માસથી
આ રીતે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોના ખાતામાંથી સેરવાયેલાં નાણાં પૈકી રૂા.
75,41,055 અરજદારોના ખાતામાં પરત કરાવ્યા
છે. ઓનલાઈન છેતરપિંડીથી બચવા `સાવચેતી એ
જ સલામતી' હોવાનું એલસીબીના પી.આઈ. અશોક મકવાણાએ આજે પત્રકારોને
જણાવી ઉમેર્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સૂચના અને માર્ગદર્શનના
પગલે છેલ્લા ચાર-પાંચ માસથી પશ્ચિમ કચ્છના અરજદારો સાથે થયેલી ઓનલાઈન છેતરપિંડી જેવી
ઓએલએસ, લોન-લોટરી, અનઓથોરાઈઝ્ડ ટ્રાન્જેક્શન,
ઓનલાઈન ખરીદી અને ઓટીપી મારફતની ઠગાઈના બનાવો સામે આવ્યા હતા,
જેમાં સાયબર સેલ (એલસીબી પશ્ચિમ કચ્છ)એ આવા અરજદારોના કુલ રૂા. 75,41,055 પરત ખાતામાં અપાવ્યા છે. વધુમાં
શ્રી મકવાણાએ ઉમેર્યું હતું કે, અરજદારોના
ગુમ થયેલા કુલ 213 મોબાઈલ જેની
કિં. રૂા. 41,14,600 પણ શોધી આપી મૂળ માલિકો (અરજદારો)ને
પરત કરી `તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજ્યો હતો. આ કામગીરીમાં એલસીબીના
પી.આઈ. શ્રી મકવાણા સાથે હે.કો. કિરપાલસિંહ સિંધવ, કોન્સ. કલ્પેશભાઈ
ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, મહિલા કોન્સ. દિવ્યાબેન
વેકરિયા, લક્ષ્મીબેન ગઢવી, ભૂમિકાબેન મારવાડા
અને આઈ.ટી. નિષ્ણાત જીતેશભાઈ સહારે જોડાયા હતા.