નખત્રાણા, તા. 3 : તાલુકાના મથલ ગામની ધરૂડ નદીના
ટોડિયા ફાટક તરફ જતા માર્ગ પર નવા બનેલા પુલમાં પ્રથમ વરસાદે જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટર
દ્વારા નબળું કામ થયું હોવાનો ગણગણાટ જાગૃત નાગરિકોમાંથી સંભળાઈ રહ્યો છે. રાજ્ય સરકારના
માર્ગ-મકાન વિભાગ દ્વારા કચ્છમાં કરોડો-અબજોની રકમના ખર્ચે રસ્તા-પુલનાં કામો કરવામાં
આવી રહ્યાં છે તે પૈકી અમુક કોન્ટ્રાકટરો હસ્તકના થયેલાં નબળાં કામો પોતાનું પોત પ્રકાશી
રહ્યાં છે. તાજેતરમાં નખત્રાણા તાલુકાના મથલ ગામની ધરૂડ નદી પર અંદાજિત રૂા. 18 કરોડની માતબર રકમથી વિશાળ પુલનું
નિર્માણ કરાયું છે. આ પુલના પ્રવેશ માર્ગે જ પ્રથમ થોડા જ વરસાદમાં ગાબડું પડતાં કોન્ટ્રાકટર
દ્વારા નબળું કામ થયું હોવાનું પુરવાર થયું છે. આ સંદર્ભે ગામના સરપંચ હુશેન ખલીફાએ
કચ્છમિત્ર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ પુલનું માટીકામ નબળું થવાથી ગાબડું પડયું છે. સદ્ભાગ્યે આ ગાબડા પરથી કોઈ
વાહન પસાર ન થતાં અકસ્માત ટળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશલપરથી હાજીપીર તરફના નિર્માણ પામેલા 32 કિ.મી.ના સીસી રોડમાં પણ નબળું
કામ થઈ રહ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા-પુલનાં કામોનાં
ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જે-તે ગામના રાજકીય આગેવાનો - સરપંચ
સહિતનાનું ધ્યાન દોરી પોતાના વિસ્તારમાં થતાં વિકાસકામો પર ધ્યાન આપવા અને જો નબળું
કામ થતું હોય તો જાણ કરવા જણાવજો જેથી સમસ્યા ઉકેલાય અને નબળાં કામો થતાં અટકે પરંતુ
લોકોમાં હજુ જાગૃતિ આવી હોય તેવું લાગતું નથી. દરમ્યાન પુલ પર ગાબડું પડયું હોવાના
હેવાલ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ થતાં જ કોન્ટ્રાકટરના કર્મીઓ દોડતાં થઈ ગયા
હતા અને તાબડતોબ ગાબડું પૂર્યું હતું.