• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

મનપાની યોદ્ધા ગુમ થયા બાદ લાંબું અંતર કાપીને પરત આવી

ગાંધીધામ, તા. 3 : મહાનગરપાલિકાના વાહન પાર્કિંગ પ્લોટની બહાર રહેલી યોદ્ધા ગાડી શનિવારે ગુમ થયા પછી અસંખ્ય કિલોમીટરની સફર કરીને ગાડી પરત ફરી હતી. ગાડી ગુમની ખબરથી તંત્ર હરકતમાં આવ્યું હતું, પરંતુ 26 કલાકથી વધુ ગાડી ગુમ કરીને અસંખ્ય કિલોમીટરની સફર કરનાર કોણ હતું, તેનાથી હજુ સુધી તંત્ર અજાણ છે, જેનાં પગલે અનેક સવાલો ઊઠી રહ્યા છે. ચર્ચાતી  વિગતો મુજબ અને સૂત્રોના કહેવા પ્રમાણે શનિવારે સાંજના યોદ્ધા ગાડી ગુમ થઈ હતી. શરૂઆતમાં કોઈને ધ્યાને આવ્યું નહીં, પણ ખબર પડતાંની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું. હાઇ-વે સહિતના સીસીટીવી કેમેરાઓ ખંગાળવાની પણ તસ્દી લેવાઇ  હતી, પરંતુ તેમાં ગાડી ન દેખાતી હોવાનું સામે આવી રહ્યું છે. ઘણા અધિકારીઓ અને કર્મચારીઓને શનિવારે જ ગાડી ગુમ થઈ એની ખબર પડી હતી, તે સાથે જ તેઓ દોડતા થયા હતા. રવિવારે રાત્રિના અસંખ્ય કિલોમીટરની સફર કરીને ગાડી પરત અગ્રસેન ભવન પાસે આવી ગઈ હતી અને ચાવી જે-તે જગ્યાએ પહોંચી ગઈ હોવાનું બહાર આવી રહ્યું છે, પરંતુ સરકારી ગાડી આટલા સમય સુધી ગુમ રહી તેમ છતાં તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. જાણકારોના કહેવા મુજબ સરકારી ગાડી ગુમ થઈ અસંખ્ય કિલોમીટરની સફર કાપીને પરત આવી ત્યાં સુધી તંત્ર અંધારામાં હતું. સરકારી ગાડીનો અસામાજિક પ્રવૃત્તિઓમાં ઉપયોગ થયો હોત તો તેનો જવાબદાર કોણ તે સહિતના સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. આ અંગે પાલિકાના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પણ થઈ શક્યો નથી, પરંતુ આ ગાડી ગુમની ઘટનાથી વાહન વિભાગના જવાબદારો સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે, તેના જવાબ તંત્રએ આપવા જરૂરી છે.

મ.ન.પા.નો વ્યાપક ખર્ચ, વાહન વિભાગ ખાડે ગયો

વાહન રિપેરિંગ અને અન્ય કામગીરી માટે વ્યાપક ખર્ચ કરવામાં આવે છે, છતાં આ વાહન વિભાગ સાવ ખાડે ગયો છે. આ વિભાગને ડ્રાઇવર ચલાવી રહ્યા છે. એક એપ્રિલ, 2026થી લઈને 30 જૂન, 2026 દરમિયાન વાહન રિપેરિંગ પાછળ 23,22,103 રૂપિયાનો વ્યાપક ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં સમય પર વાહનો ઉપયોગમાં આવતા નથી, પરિણામે ભાડે વાહનો કરવા પડે છે. ભાડાનાં વાહનો રાખીને રૂા. 4,64,300નું ભાડું ચૂકવવામાં આવ્યું છે. ખરેખર જવાબદાર વ્યક્તિને આ વિભાગ સોંપવામાં આવે તેવી માંગ ઊઠી છે.

વાહન વિભાગમાં સીસીટીવી કેમેરાની માંગ

પાલિકાની મુખ્ય કચેરીમાં સીસીટીવી કેમેરા છે, પરંતુ જ્યાં કરોડો રૂપિયાનાં વાહનો પાર્ક થાય છે તે વાહન પાર્કિંગ પ્લોટમાં સીસીટીવી કેમેરા કામ કરતા નથી. અહીં અલગ-અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાડીને વાહનો ઉપર નિગરાની રાખવી જરૂરી છે, જો સીસીટીવી કેમેરા હોત તો જે યોદ્ધા ગાડી ગુમ થઈને અસંખ્ય કિલોમીટર કાપીને પરત આવી તે ગાડી કોણ લઈ ગયું હતું તે બહાર આવી જાત. આ વિભાગમાં સીસીટીવી કેમેરા લગાડવાની માંગ ઊઠી છે.

ત્રણ મહિનામાં પેટ્રોલ, ડીઝલ પાછળ 36.30 લાખ ફૂંક્યા

મહાનગરપાલિકાને તેનાં વાહનો જેટલા ઉપયોગમાં નથી આવતા તેના કરતાં પેટ્રોલ-ડીઝલનો ખર્ચ વધુ આવે છે. 1 એપ્રિલ, 2026થી 30 જૂન, 2016 એટલે કે ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પાછળ 36 લાખ 30 હજાર 96 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે પેટ્રોલ - ડીઝલ ઓછું બાળવાનું કહ્યું છે, છતાં ખર્ચ વ્યાપક  આવે છે. આ તપાસનો વિષય છે અને ઊંડી તપાસ થવી જરૂરી છે. ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

Panchang

dd