• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ત્રણ ઈંચ વરસાદમાં જ ભુજ બન્યું ખાડાનગરી

કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 3  : શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદે ભુજ સુધરાઈની પ્રિ-મોન્સૂન કામગીરીની સાથોસાથ માર્ગોના તકલાદીપાણાની પણ પોલ ખોલી નાખી હોય તેમ મુખ્ય સહિત અનેક વિસ્તારોમાં રસ્તાનું ધોવાણ થવા સાથે ખાડા અસ્તિત્વમાં આવ્યા છે, જેને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. બે દિવસ પહેલાં જ કચ્છ પર મેઘરાજા રીઝ્યા હતા, જેને પગલે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. વરસાદ માત્ર ત્રણ ઈંચ જ પડયો, પણ તેણે પ્રિ-મોન્સૂન કામગીરી તેમજ નબળા બનેલા માર્ગોની પોલ ખોલી નાખી રસ્તા પર ખાડાઓને પાધરા કરી નાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં વર્ષે માર્ગો પાછળ અધધધ કહી શકાય તેટલા નાણાંનો ખર્ચ સુધરાઈ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. તો, તંત્રની અલગ-અલગ કચેરીઓ દ્વારા પણ પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરોડો ખર્ચાય છે. પરંતુ વરસાદ સમયે લોકોની હાલાકીમાં કોઈ ફેર પડતો નથી તેવી જાગૃતો ફરિયાદ કરી રહ્યા છે. તાજેતરના વરસાદને પગલે ભુજના એનક માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહી. જો કે, અમુક માર્ગો પર બે-ત્રણ કલાક બાદ પાણી ઓસરી ગયાં જેનું નગરપાલિકા આશ્વાસન લઈ શકે... પણ બે દિવસથી મેઘરાજાના વિરામ બાદ શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગોમાં ખાડાનું સામ્રાજ્ય ઊભરીને બહાર આવી ગયું. અનેક ખાડાઓ પર થયેલી માટીની લીંપાપોતી પરથી પડદો હટી ગયો.

ભુજના મુખ્ય માર્ગોની વાત કરીએ તો હજારો વાહનોની જ્યાંથી દરરોજ અવર-જવર રહે છે તેવા જ્યુબિલી સર્કલ પાસે માર્ગનું ધોવાણ થયું અને અનેક વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો. જો કે, રાહદારીઓની સમસ્યા મહદઅંશે હલ કરવા જાગૃત-સેવાભાવી નાગરિકોએ પડેલા ખાડામાંથી પસાર થવા પથ્થર ગોઠવી નખ્યા. તો, આવા જ મહત્ત્વના કહી શકાય તેવા મંગલમ્ ચાર રસ્તા વિસ્તારમાં પણ અનેક ખાડા અને માર્ગોનું થયેલું ધોવાણ લોકોના નાકે દમ લાવી રહ્યા છે. જો કે, જાગૃતોના જણાવ્યા અનુસાર આ ખાડાઓ તો વરસાદ પહેલાંથી જ હોવા છતાં તેના મરંમત કામની દરકાર નથી કરાઈ તેવું જણાવ્યું હતું. મંગલમથી માંડવી ઓક્ટ્રોય તરફ જતો માર્ગ બિસ્માર છે. સારા વરસાદે જ્યાં દુકાનોના પ્રવેશદ્વાર સુધી પાણી પહોંચી જાય છે તેવા બસ સ્ટેશન માર્ગની હાલત પણ લાંબા સમયથી દયનીય બની ગઈ છે. આ રસ્તે અનેક ખાડાઓ જોખમી બની ગયા છે.  અહીં સતત ટ્રાફિક રહેતો હોવાથી ખાડા બચાવવા અથવા તો તેના કારણે અકસ્માતનું જોખમ રહેતું હોવાની લોક ફરિયાદ ઊઠી છે.

કચ્છ તેમજ બૃહદ કચ્છની મોટી સંખ્યામાં ખરીદદારો જ્યાં ખરીદી અર્થે આવે છે તેવી વાણિયાવાડ બજાર, મહેરઅલી ચોકમાં પણ અનેક સ્થળે મોટા ખાડા પડી ગયા છે, તો વ્હાઈટ બિલ્ડિંગ પાસે તો આખો માર્ગ જ ધોવાઈ ગયો હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જર્જરિત માર્ગો અને ખાડાઓમાં ભરાતાં પાણીને પગલે ગ્રાહકો બજારમાં આવવાનું ટાળી રહ્યા હોવાથી વેપારીઓને આર્થિક ફટકો સહન કરવો પડતો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત રઘુવંશી નગર, ખારસરા ગ્રાઉન્ડ પાસેનો માર્ગ, રામકૃષ્ણ કોલોની સહિતના વિસ્તારોમાં માર્ગો વાહનચાલકો, રાહદારીઓ માટે જોખમરૂપ બની ગયા છે. જો કે ભુજમાં હાલમાં તો એક પણ માર્ગ ખાડા વિનાનો જોવા નહીં મળે તેવો દાવો જાગૃત નાગરિકો કરી રહ્યા છે. વરસાદ તો હજુ શરૂ થયો છે અને આખી સિઝન બાકી છે ત્યારે જવાબદાર તંત્ર યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરે અને માર્ગોનું મરંમત કામ કરે અથવા તો અનિચ્છિનીય ઘટના ન ઘટે તે માટે ખાડાઓનું પુરાણ કરે તેવી માંગ ભુજવાસીઓ કરી રહ્યા છે.

Panchang

dd