• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

`મેટા'ના નિયમ સામે સંદેહ; પણ વિકલ્પ ક્યાં ?

વડાપ્રધાન મોદીએ પક્ષના સંસદ સભ્યો અને જનપ્રતિનિધિઓને સોશિયલ મીડિયાનો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધારવાની સલાહ આપી, એ પછી જંતરમંતર પર છાત્રોનાં આંદોલન દરમ્યાનના પોતાના મહત્ત્વના સંદેશ તેમણે ઇન્સ્ટા મારફત જ વહેતા કર્યા, તેને વિક્રમી સંખ્યામાં વ્યૂ મળ્યા. એ દરમ્યાન વડાપ્રધાનની પહેલી સેલ્ફી વીડિયો પોસ્ટને ફેસબુક પરથી હટાવી દેવાનો મામલો ચગ્યો છે. સરકારે મેટાના અધિકારીનો ખુલાસો  માગ્યો. મેટાએ સખેદ સ્પષ્ટતા કરી કે, ટેકનિકલ કારણસર એ વીડિયો હટાવી દેવાયો હતો. અમેરિકાની કંપની ફેસબુકના પબ્લિક પોલિસી પ્રમુખે ભૂલ સ્વીકારીને  એ પોસ્ટ પાછી અપલોડ કરી, પરંતુ સત્તા પક્ષમાં આ મુદ્દે મેટા સામે આક્રોશ સખત છે. દેશના વડાપ્રધાન યુવાનોને સંબોધીને પ્રશ્નપત્ર લીક સામે કડક કાર્યવાહી માટેની પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા હોય ને એ પોસ્ટ ઓચિંતી ગાયબ કરી દેવાય એ `ભૂલ' અસાધારણ તો છે જ. સરકારના સૂત્રોએ મેટાની ઝાટકણી કાઢતાં કહ્યું કે, દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાનનો સંદેશ યુવાનો જુએ કે ન જુએ એ શું ફેસબુક નક્કી કરશે ? મેટા અને તેના સોશિયલ મીડિયા હેન્ડલર સામે અગાઉ પ્રશ્નો ઊઠી ચૂક્યા છે. વિશેષ તો ડેટા પ્રાઇવસી, એકાધિકારના દુરુપયોગ, ફેક ન્યૂઝ  અને આઇટી નિયમોના ઉલ્લંઘનને લઇને તપાસ, નોટિસ સહિત દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. મેટાએ 2021માં  પોતાની નવી પ્રાઇવસી પોલિસી જારી કરી હતી, જેમાં યુઝર માટે તેનો ડેટા ફરજિયાત પેરેન્ટ કંપની (મેટા) સાથે શેર કરવાની શરત રાખવામાં આવી હતી. આ મુદ્દે ભારતના પ્રતિસ્પર્ધા પંચે મેટાને પોતાની માર્કેટ સ્થિતિનો દુરુપયોગ કરવાના આરોપસર મેટા પર 213 કરોડનો દંડ ફટકાર્યો હતો. વોટ્સએપ સામે પણ અવારનવાર પ્રશ્નો ઉત્પન્ન થયા છે. સુપ્રીમ કોર્ટ તરફથી કડક ચેતવણી જારી થઇ છે કે, ભારતમાં કામ કરનારી વિદેશી તકનીકી કંપનીઓએ દેશના કાયદા-કાનુન અને યુઝર્સ ઉપભોક્તાઓની નિજતા (પ્રાઇવસી)ના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે. એક હકીકત એ પણ છે કે, આજના ડિજિટલ યુગમાં યુઝર્સ તેનો ઉપયોગ કરતા થયા છે, પણ ઘણીવાર એ માટેના નિયમ પોલિસી ઝીણવટથી વાંચવાને બદલે પોતાને ત્વરિત જોઇતું કન્ટેન્ટ મેળવવા ન સ્વીકારવા જેવી શરતો સ્વીકારી લે છે. મોબાઇલ યુઝર્સમાં મહિલાઓ, અલ્પ શિક્ષિત વર્ગે મોટો છે. એમની જાણ બહાર તેમની જ સહમતીથી ડેટા ડોક્યુમેન્ટ સહિતની વિગતો વિદેશી કંપનીઓના હાથમાં પહોંચી જાય છે. 2018નો કિસ્સો યાદ કરીએ, પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ લગભગ 5.6 લાખ ભારતવીય યુઝર્સનો ડેટા તેમની સંમતિ મેળવ્યા વગર રાજનૈતિક પ્રોફાઇલિંગ માટે એક્સેસ કર્યો હતો. ભારતના ઇલેકટ્રોનિકસ અને આઇ.ટી. મંત્રાલયે ફેસબુકને કારણ બતાવો નોટિસ જારી કરી, એટલું જ નહીં સરકારના આદેશથી સીબીઆઇએ માર્ચ-2021માં કેમ્બ્રિજ એનાલિટીકા અને ગ્લોબલ સાયન્સ સેન્ટર (જી.એસ.સી.) સામે આઇટી અધિનિયમ અંતર્ગત એફઆઇઆર દાખલ કરી હતી. આવા કાનૂની મામલા અને રજૂઆતોનું પ્રમાણ વધતાં `મેટા'એ ભારતમાં સંબંધિત અધિકારીઓની નિમણૂકે કરી છે. અહીં એ નોંધનીય છે કે, ભારતની ગુપ્તચર એજન્સીઓએ સરકારને પહેલેથી સાવધ કરી દીધી કે, અમેરિકામાં કેટલાક પરિબળો ભારત સરકારને અસ્થિર  બનાવવા પ્રયત્નશીલ છે અને અમુક એનજીઓને નાણાં પણ નિયમિત રીતે અપાય છે. એ દૃષ્ટિએ મેટાની કથિત `ભૂલ'ને ગંભીરતાથી લેવાય એ સ્વાભાવિક છે. મોટો પ્રશ્ન એ છે કે, મેટા-ફેસબુક કે ઇન્સ્ટાનો બદઆશય ખરેખર હોય તો એનો વિકલ્પ શું ? સરકાર પાસે પોતાનો સોશિયલ મીડિયા મંચ ક્યાં છે ? સરકારે મેટા સામે પગલાં લેવાં જોઇએ. સાથે પોતાનો સોશિયલ મીડિયા મંચે બનાવવો જોઇએ. મજબૂત વિકલ્પ ઊભા થશે તો મેટા-ફેસબુક જેવા હેન્ડલર વધુ ગંભીર બનશે. 

Panchang

dd