ચૂંટણી કમિશનરોની નિયુક્તિ અંગે સર્વોચ્ચ અદાલતમાં મોટાપાયે
ચર્ચા ચાલી રહી છે. કોર્ટ અને સરકાર દલીલ-પ્રતિ દલીલ કરી રહ્યા છે. ગુરુવારે જસ્ટીસ
દિપાંકર દત્તાણી, જસ્ટીસ સતિષચંદ્ર
શર્માની બેંચે કરેલી સુનાવણી બાદ આખું પ્રકરણ મોટી બેંચ તરફ પહોંચ્યું છે. જ્યારથી
આ ચર્ચા શરૂ થઈ છે, તે પછીના 28મા દિવસે કેસ ટ્રાન્સફરની માગણી કરાઈ રહી
છે. સરકારે ચૂંટણી કમિશનરોની નિયુક્તિ માટે જે કાયદા ઘડયા છે, તેમાં ભારતના ચીફ જસ્ટીસને રખાયા નથી તે સંદર્ભે
ડો. જયા ગુપ્તાએ 2023માં અરજી
દાખલ કરી હતી. તે કેસ હવે અગત્યના તબક્કામાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું
કે, નિષ્પક્ષતા માત્ર હોય તે પૂરતું નથી,
દેખાવી પણ જોઈએ. સરકાર તરફે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એવી દલીલ કરી
કે, ન્યાયતંત્ર વડાપ્રધાન પર અવિશ્વાસ કરી શકે નહીં. કોર્ટે કહ્યું
કે, ચૂંટણીપંચ જેવી સ્વતંત્ર સંસ્થામાં વિશ્વાસ જળવાય તે અગત્યનું
છે. વડાપ્રધાનની નિષ્ઠા અંગે સંશય કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તુષાર મહેતાએ
કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલય સાથે પવિત્રતા અને વિશ્વસનીયતા
જોડાયેલી છે. રાજ્યનું કોઈ અંગ એવું ધારી શકે નહીં કે, બહુ જનમતથી
ચૂંટાયેલા વડાપ્રધાન યોગ્ય રીતે કામ નહીં કરે. કેબીનેટમાં મંત્રી પસંદ કરતી વખતે પણ
જજની સલાહ લેવી પડશે? સંસદ દ્વારા રચાયેલા કાયદાને માત્ર તે કારણથી
રદ કરી શકાય નહીં કે, જેમાં મુખ્ય ન્યાયાધીશ સામેલ નથી. તુષાર
મહેતાએ સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન જેની નિયુક્તિ કરશે,
તે વ્યક્તિ ખોટું કરશે તેવો સવાલ જ ઊઠવો ન જોઈએ. વડાપ્રધાન કાર્યપાલિકાના
પ્રમુખ છે અને તેઓ વિધાયિકા પ્રત્યે પણ જવાબદાર છે જ. ન્યાયપાલિકામાં નિયુક્તિ થાય,
ત્યારે જજ, જજને પસંદ કરે છે અને તેમની ઉપર આખો
દેશ વિશ્વાસ કરે છે. તે સમયે એવું કહી ન શકાય કે, જે જજની પસંદગી
થઈ છે તે ખોટી છે. સર્વોચ્ચ અદાલતે પણ સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાન
પર ભરોસો હોય જ, સવાલ માત્ર ચૂંટણીપંચની નિમણૂકોમાં નિષ્પક્ષતા
દેખાવી જોઈએ એટલો જ છે. સરકારના પક્ષે થઈ રહેલી
દલીલ પણ તાર્કિક અને મુદ્દાસર છે, સામે જે પ્રશ્નો ઊઠયા છે,
તે આખી વ્યવસ્થામાં સી.જે.આઈ.નો સમાવેશ કેમ નહીં ? તે સંદર્ભે છે. જો કે, જે પ્રમાણે તુષાર મહેતાએ કહ્યું
છે તે મુજબ વડાપ્રધાન કાર્યાલય ઉપર સીધો જ સંશય કરવો ઉચિત નથી.