ગ્લાસગો, તા. 3 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના
સમાપન સાથે ભારતે દુનિયાને 2030ના કોમનવેલ્થ
ગેમ્સ માટે અમદાવાદ પધારવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું હતું. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના
સમાપન સમારંભમાં ભારતના પ્રાચીન દર્શન, આધુનિક કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. આ સાથે અમદાવાદના આંગણે
રમાનાર શતાબ્દી સંસ્કરણના કોમનવેલ્થ ગેમ્સની યાત્રાનો પ્રારંભ થયો હતો. સમાપન સમારંભમાં
ગ્લાસગો દ્વારા કોમનવેલ્થ ગેમ્સની બેટન ભારતને સોંપવામાં આવી હતી. જે સ્ટાર ખેલાડી
નિરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા અને ગુજરાતના
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સ્વીકારી હતી. બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાએ ગ્લાસગો કોમનવેલ્થ
ગેમ્સની સમાપ્તિની સત્તાવાર જાહેરાત કરી હતી અને જણાવ્યું કે 24મા કોમનવેલ્થ ગેમ્સ માટે તમામ દેશના ખેલાડીઓને
અમદાવાદ આવવાનું આમંત્રણ છે. સમાપન સમારંભમાં મુક્કેબાજ જેસ્મિન લંબોરિયા ભારતની ધ્વજવાહક
રહી હતી. તેણીએ પ7 કિલો વર્ગની
સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સમાપન સમારંભમાં
ભારતે વસુધૈવ કુટુંમ્બકમની થીમ સાથે કાર્યક્રમ રજૂ કર્યો હતો. અભિનેત્રી માનુષી છિલ્લરની
આગેવાનીમાં નૃત્ય પ્રસ્તૃતિ થઇ હતી. તેની સાથે સેંકડો નર્તકો જોડાયા હતા. તેમણે ભારતની
વિવિધતામાં એકતા પ્રદર્શિત કરી હતી. ગાયક શંકર
મહાદેવન અને અન્યોએ વંદે માતરમ અને શિવ સ્તોત્ર ઉપરાંત લહેરા દો અને એ વતન મેરે વતન
જેવા દેશભક્તિ ગીતો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ
કર્યાં હતા. ગુજરાતી પાર્શ્વગાયિકા ભૂમિ ત્રિવેદીએ યજમાન પ્રદેશ ગુજરાતની વિશેષ પ્રસ્તૃતિ
રજૂ કરી હતી. પરદા પર અમદાવાદનો પરિચય આપવામાં આવ્યો હતો.
ગૂડબાય ગ્લાસગો - વેલકમ અમદાવાદ : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026નું શાનદાર સમાપન ભારત માટે
એક ઐતિહાસિક શરૂઆત લઈને આવ્યું છે. સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ
અને બેટન ભારતને સોંપી દીધો છે. હવે 2030માં અમદાવાદનાં આંગણે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. સમાપન
સમારંભમાં ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પી. ટી. ઉષા અને ગુજરાતના ઉપ મુખ્યમંત્રી હર્ષ
સંઘવીને કોમનવેલ્થ ગેમ્સના ધ્વજ અને બેટન વિધિવત રીતે સુપરત કરાયા હતા. આ સાથે જ અમદાવાદમાં
યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-2030ની સત્તાવાર
સફરનો પ્રારંભ થયો છે. ભારતમાં અગાઉ 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું.