• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

બસ પ્રવાસ સલામત બને

ઓક્ટોબર મહિનાની ઉજવણીના દિવસો પર માર્ગ અકસ્માતોનો ગમગીન ઓછાયો અનુભવાયો હતો.  રાજસ્થાનના જેસલમેરમાં અને તે પછી આંધ્રપ્રદેશના કુર્નુલમાં એક સરખી એવી બે બસ દુર્ઘટનાએ દેશની ઉતારુ માર્ગ પરિવહન વ્યવસ્થાની સલામતી સામે ગંભીર સવાલ ખડા કર્યા છે. બન્ને ગમખ્વાર કિસ્સામાં પરિવહન વિભાગની લાપરવાહી અને ભ્રષ્ટાચારની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આધુનિક અને વાતાનુકૂલિત બસોમાં ગતિનિયંત્રણના નિયમોથી માંડીને કટોકટીના સમયમાં બચાવની વ્યવસ્થાના ધોરણોનાં પાલન પર જરાપણ ધ્યાન અપાતું ન હોવાની હકીકતો આવા અકસ્માતો સમયે છતી થતી રહી છે. બસના ટેક્સની ચોરી માટે તેને ગેરકાયદેસર રીતે વાતાનુકૂલિત કરવાનાં ચલણમાં વધારો થયો છે, તેની સાથે ઉતારુઓના જોખમમાં પણ વધારો થયો છે. મોટર વાહનના નિયમોમાં રહેલી છટકબારીનો બસમાલિકો લાભ ઉઠાવતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બસોની નોંધણી ઓછો ટેક્સ ધરાવતા રાજ્યોમાં કરાવવા અને તેના ફિટનેસના પ્રમાણપત્રો બીજા કોઈ રાજ્યમાંથી લેવાનું ચલણ દિવસો દિવસ વધી રહ્યંy છે. કુર્નુલ અકસ્માતમાં આ હકીકત સામે આવી છે.  ઉલ્લેખનીય છે કે, આધુનિક બસોમાં બટનથી ખૂલતા દરવાજાની વ્યવસ્થા ચલણમાં છે. સગવડ અને સુવિધાની દૃષ્ટિએ આવકારદાયક આવા દરવાજા અકસમાત સમયે મરણતોલ બની રહ્યા છે. અકસ્માત થાય ત્યારે આ દરવાજા ખૂલી શકતા નથી હોતા, જેને લીધે પ્રવાસીઓ માટે બહાર નીકળવાનું અશક્ય બની જતું હોય છે. પરિણામે આવી દુર્ઘટના સમયે પ્રવાસીઓના મોત અથવા ઘાયલ થવાની સંખ્યા સતત વધતી રહી છે.   વળી અકસ્માત સમયે કટોકટી માટેના દરવાજા પણ ખૂલતા ન હોવાની હકીકતો પણ જેસલમેર અને કુર્નુલના બનાવોએ વધુ એક વખત છતી કરી છે. આધુનિક બસોમાં ગતિનિયંત્રક સ્પીડ ગવર્નર લગાવા ફરજિયાત હોય છે, પણ બસ ઓપરેટરો ગતિમર્યાદાના આ સાધનોને નિક્રિય કરીને બસોને બેમર્યાદ ઝડપે ચલાવતા હોય છે. આ બધામાં બસોની ચકાસણીની જવાબદારી સંભાળતા વાહન પરિવહન વિભાગ નિયમોના ઉલ્લંઘન તરફ ધ્યાન આપતો નથી. પરિણામે માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ખરેખર તો કેન્દ્ર સરકારે માર્ગ પરિવહન અને તેમાં પણ ખાસ તો ઉતારુઓના પરિવહન માટેના નિયમોને એક સમાન કરવા પર હવે ધ્યાન આપવાની જરૂરત છે. વાહનોના પાસિંગથી માંડીને તેના ફિટનેસ અંગે સમાન નિયમો અને દરો રાખવાની ખાસ જરૂરત છે. આવા પગલાંથી બેફામ બસ ઓપરેટરોને કાયદાનો ડર રહે અને પ્રવાસીઓની સફર આરામદાયક બનવાની સાથોસાથ સલામત પણ બની શકે. 

Panchang

dd