ગાંધીધામ, તા. 28 : સંત, સંસ્કૃતિ, સંસ્કૃત અને
સનાતનની પરંપરા જાળવી રાખતી સામખિયાળી સંત સંધ્યાગિરિ સંસ્કૃત વેદ વિદ્યાલય દ્વારા
ઋષિ પરંપરા સાથે સામખિયાળીથી શક્તિપીઠ અંબાજીની પદયાત્રાનો આરંભ થયો હતો. સંસ્થાના મહંત
ભગવતીગિરિ બાપુ દ્વારા ગૌપૂજન, કુમારીકા પૂજન કરીને યાત્રાનો
આરંભ કરવામાં આવ્યો હતો. પદયાત્રાના યજમાન શિણાયના જેમલદાદા વાણિયા, સોરઠિયા પરિવારના માવજીભાઈ સોરઠિયા દ્વારા ઋષિકુમારોનું પૂજન કરવામાં આવ્યું
હતું, તે સાથે સંત સંધ્યાગિરિ સંસ્કૃત વેદ વિદ્યાલયના ટ્રસ્ટીઓ
સાથે સંસ્થાના મહંત દ્વારા ગૌપૂજન, કન્યાપૂજન અને અશ્વપૂજન કરવામાં
આવ્યું હતું. પદયાત્રામાં આવતાં ગામોમાં યાત્રાનાં સ્વાગત માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી
રહી છે, જે ગામમાં યાત્રા રાત્રિરોકાણ કરશે, તે ગામમાં દેવી ભાગવત અને માતાજીની આરાધનાના પાઠ કરવામાં આવશે. કચ્છ,
બનાસકાંઠા અને સાબરકાંઠાના વિવિધ ગામોમાંથી યાત્રા પસાર થશે. યાત્રાની
અંબાજીમાં પૂર્ણાહુતિ થશે, ત્યારે ઋષિકુમારો અને આચાર્ય દ્વારા
નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સામખિયાળીથી અંબાજી સુધીની પદયાત્રામાં ગિરનારી
સેવકગણો અને વિવિધ ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. યાત્રાના પ્રથમ દિવસે લાકડિયા
પહોંચેલી પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં સંત સંધ્યાગિરિ બાપુ
સંસ્કૃત વેદ વિદ્યાલયના આચાર્યો દિનેશભાઈ આચાર્ય, રમેશભાઇ જોશી,
પંકજભાઈ, કેવલભાઈ, પ્રજ્ઞેશભાઈ,
રાઘુભાઈ આહીર, રમેશ આહીર અને વિવિધ ગામના સેવકગણ
જોડાયા હતા અને યાત્રાને સફળ બનાવવા માટે સેવા આપી હતી.