રાપર, તા. 28 : રાપરના પ્રજ્ઞાચક્ષુ માતા-પિતાના દસ વર્ષના પુત્રની ખેલ-કૂદની
રુચિ તેને માધાપર ડી. એલ. એસ. એસ. અંતર્ગત તાલીમ સુધી લઈ ગઈ છે. ભવિષ્યમાં સારો ખેલાડી
બને તેવું તેના માર્ગદર્શકને લાગી રહ્યું છે. પિતા ડો. રામજીભાઈ ગોઠીએ અંધજન મંડળ વત્રાપુર, અમદાવાદમાંથી 12 ધોરણ ભણી ડી.પી.ટી. ફિઝિયોથેરાપી
કોર્સ કર્યો છે. માતા નાવીબેને અંધ કન્યા પ્રકાશગૃહ,
અમદાવાદમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. રાપરની અનુભૂતિ વિદ્યામંદિર શાળામાં
કોથળાદોડ, લીંબુ ચમચી આ બધામાં આગવી ચપળતા અને હોશિયારી
થકી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. શાળાના પી. ટી. શિક્ષકને જણાયું કે, આ બાળક ખેલ-કૂદમાં રસ-રુચિ ધરાવે છે, જો મહેનત કરે,
તો આગળ વધી શકે તેમ છે. માધાપર ખાતે ડી. એલ. એસ. એસ. અંતર્ગત તાલીમ મેળવવા
મોકલ્યો છે, જેનો સંપૂર્ણ ખર્ચ સરકારનું ખેલકૂદ મંત્રાલય ઉપાડે
છે. વર્ષ સુધી એ વાય. ટી. યંગ ટેલેન્ટ ફિઝિકલ ફિટનેસની તાલીમ લેશે અને ભવિષ્યમાં હોકીનો
પ્લેયર બનવાનો મનોરથ છે. એના માર્ગદર્શક વિનયભાઇ રાઠોડે જણાવ્યું છે. વાગડમાં અનેક
બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ તો થાય છે, પણ ઘર છોડીને બહાર
નીકળવું એમને કઠિન લાગે છે, ત્યારે 10 વર્ષનો ઋષિકેશ અંધ માતા-પિતાને
છોડી અને માધાપર પોતાનાં જીવનની આગવી કેડી કંડારવા તરફ ગતિ કરી રહ્યો છે.