• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

ઈંદોરની ઘટના ભારતની પ્રતિષ્ઠા માટે કલંકરૂપ

મહિલા ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધા પરાકાષ્ટાએ પહોંચી છે. ભારતે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. આ સ્પર્ધા ટીમ ઈન્ડિયાનાં શાનદાર પ્રદર્શન અને બીજા કેટલાક શ્રેષ્ઠ દેખાવને લીધે યાદગાર બની છે, પરંતુ મેદાન બહારના બનાવે ભારતનાં આયોજનને અને દેશની કાયદો - વ્યવસ્થાની સ્થિતિને કલંક લગાડયું છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા ક્રિકેટર ઈંદોરમાં બીજી સાથીખેલાડી સાથે હોટેલની બહાર નીકળી અને કેફે તરફ જઈ રહી હતી, એ દરમ્યાન એક મોટરસાયકલ સવારે તેનો પીછો પકડયો... ક્રિકેટરને અણછાજતો સ્પર્શ કરીને નાસી છૂટયો. ભારતના મહેમાન બનીને આવેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સાથેનો દુર્વ્યવહાર નિંદનીય છે. પાછો તે એવાં શહેરમાં બન્યો, જે સ્વચ્છતા માટે ભારતમાં નામના ધરાવે છે. ઈંદોરમાં કાયદો - વ્યવસ્થાનો સારો માહોલ છે તેમ છતાં એક મવાલીની કરતૂતને લીધે વ્યાપક ટીકા ખમવી પડી છે. અધૂરાંમાં પૂરું, પોલીસવડાએ બદમાશને પકડવામાં દોઢ દિવસનો સમય લઈ લીધો તેમજ  રાતે બીસીસીઆઈએ પણ આ કૃત્ય પર પ્રતિક્રિયા આપવામાં સમય લીધો. મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના અધિકારીઓના કહેવા મુજબ બન્ને કાંગારુ ખેલાડી સુરક્ષા પ્રોટોકોલ તોડીને બહાર નીકળ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમે તે વાત નકારી કાઢી છે. અહીં પ્રશ્ન એ છે કે પ્રોટોકોલ તોડયો હોય તોય મહિલાઓને ઈંદોરમાં રસ્તા પર બહાર નીકળવાની મનાઈ છે? મહિલાની સલામતીના કરાતા દાવા શું આટલા પોકળ છે? નિ:સંદેહ ઓસ્ટ્રેલિયન ટીમની સલામતી વ્યવસ્થામાં કચાશ  ગંભીર બાબત છે. ખેલાડીઓની સુરક્ષમાં ચૂક ન જ રહેવી જોઈએ. આ મામલાને દેશમાં મોટાં આંતરરાષ્ટ્રીય આયોજનો કરવાના મુદ્દે નકારાત્મકતાથી જોવામાં આવી રહ્યો છે. અહીં એ નોંધનીય છે કે ભારત 2030માં ઘરઆંગણે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવા જઈ રહ્યો છે. એ પછી 2036માં ઓલિમ્પિકની યજમાની મેળવવાનોય દાવો થયો છે, ત્યારે આવી ઘટના દેશની છબીને નુકસાનકર્તા છે. ભારત એક તરફ દરેક પ્રકારના પ્રવાસનનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય, હિમાલય પર્વતમાળા, સમુદ્રતટ ઉપરાંત અહીંની ધાર્મિક-સાંસ્કૃતિ પરંપરા,ધાર્મિક સ્થળોનું, પ્રાચીન સભ્યતાના ધામોનું વિદેશીઓમાં આકર્ષણ રહ્યું છે. કમનસીબે દેશમાં પર્યટકો જાતીય ઉત્પીડનના આશાન શિકાર બનતા રહ્યા છે. આ વર્ષે રાજસ્થાનમાં ફ્રાંસના પર્યટક સાથે દુર્વ્યવહાર થયો, કર્ણાટકમાં ઈઝરાયલી પર્યટકનું ઉત્પીડન કરવામાં આવ્યું. વિદેશી ખેલાડીઓનું સામાન્ય રીતે બહાર નીકળવું નિયંત્રિત હોય છે. તેમ છતાં ઈંદોરમાં જે બન્યું એ દર્શાવે છે કે, નરાધમ અસામાજિક તત્ત્વો લાગ મળે એટલે પોત પ્રકાશવા માટે ટાંપીને બેઠા હોય છે. આવતા મહિને કોમનવેલ્થ ફેડરેશનની બેઠકમાં અમદાવાદમાં 2030માં યોજાનારા રમતોત્સવ માટે મંજૂરીની મહોર લગાવાશે. આટલું વિશાળ આયોજન સુરક્ષિત રીતે પાર પાડવાનો હંમેશ પડકાર હોય છે. દુનિયાભરમાંથી આવનારી મહિલા ખેલાડીઓ અને બીજા રમતવીરોની ઉચ્ચ દરજ્જાની સલામતી તથા સગવડો ઉપલબ્ધ બનાવવી પડશે. ઈંદોરની ઘટના દેશના તમામ રાજ્યો માટે બોધપાઠ છે. તેનું પુનરાવર્તન નિવારવા માટે તકેદારી અને જાગૃતિ અનિવાર્ય છે. સમાજમાં નૈતિક મૂલ્યોનો હ્રાસ શા માટે વધી રહ્યો છે. એના ઉપર સમાજચિંતકોએ મંથન કરવાની જરૂર છે. 

Panchang

dd