• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

નખત્રાણામાં મળી આવેલી મૂર્તિ સદીઓ જૂની હોવાનો અંદાજ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 28 : નખત્રાણા તાલુકાના ભડલી-થરાવડા માર્ગ પરથી એક પ્રાચીન અને રહસ્યમય મૂર્તિ મળી આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મૂર્તિ સ્થાનિક શિક્ષક અને પ્રકૃતિપ્રેમી જગદીશ વાઘેલાને જંગલ વિસ્તારમાં ફરતાં મળી આવી હતી, જેણે કચ્છના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેર્યું છે. શિવલિંગ અને કમંડળ ધારણ કરેલી ચતુર્ભુજ દેવીની મૂર્તિ જે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૂર્તિ કોઈ સતી અથવા દેવીની હોવાનું અનુમાન છે. ચાર હાથ ધરાવતી આ મૂર્તિની વિશેષતા તેના હાથમાં ધારણ કરેલા દિવ્ય ચિહ્નો છે. એક હાથમાં ઉપરની તરફ શિવાલિંગ (શિવતત્ત્વનો સંકેત), બીજા હાથમાં કમંડળ જેવું પાત્ર (પવિત્રતા અને ત્યાગનો સંકેત) છે, જ્યારે અન્ય બે હાથમાં શું છે તે સ્પષ્ટપણે જાણી શકાતું નથી, જે સંશોધનનો વિષય છે. મૂર્તિની બનાવટ, પથ્થર અને કોતરણીની શૈલી પરથી તે સદીઓ જૂની હોવાનો અંદાજ છે. મૂર્તિઓના જાણકાર અને સ્થાનિક ઇતિહાસકારોના મતે આ મૂર્તિ માતા પાર્વતીની હોઈ શકે છે. શિક્ષક જગદીશભાઇ સામાજિક જાગૃતિ ફેલાવવા ઉપરાંત કચ્છના અજાણ્યા પ્રવાસન સ્થળોનું `એક્સપ્લોર' કરીને તેના ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનું સરાહનીય કાર્ય પણ કરી રહ્યા છે. તેઓ કચ્છની ધરતીના ઇતિહાસ અને સંસ્કૃતિને લોકો સમક્ષ લાવવા હંમેશાં તત્પર રહે છે. તેમને શિક્ષણ ક્ષેત્રે સેવાકીય કામગીરીનાં કારણે નેશનલ નવોદયન ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો છે. હાલમાં આ પ્રાચીન અને મૂલ્યવાન મૂર્તિને સુરક્ષિત સ્થાને રાખી ઇતિહાસવિદો્, પુરાતત્ત્વ વિભાગ અને ધાર્મિક સંગઠનો આ મૂર્તિની ઊંડાણપૂર્વક તપાસ અને સંશોધન કરે તેવું શ્રી વાઘેલાએ ઉમેર્યું હતું. 

Panchang

dd