અંજાર, તા. 28 : કચ્છ સરહદ ડેરી દ્વારા નવાં
વર્ષે પશુપાલકોને દૂધના ફેટના ભાવ વધારાની ભેટ આપવામાં આવી છે. એક નવેમ્બરથી પશુપાલકોને
ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 820 રૂપિયા આપવામાં
આવશે. સરહદ ડેરીના દૂધ સંઘના નિયામક મંડળની તેમજ મંડળીઓની સહકાર સમિતિની બેઠક મળી હતી, જેમાં સમિતિના સભ્યો દ્વારા દૂધના ભાવ વધારવા
માટે રજૂઆત કરી હતી અને પશુપાલકોની માગણીને લઈને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા,
જિલ્લા પંચાયતના પ્રમુખ જનકાસિંહ જાડેજા, સાંસદ
વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, વીરેન્દ્રાસિંહ જાડેજા, પ્રદ્યુમનાસિંહ જાડેજા,
માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ
પ્રમુખ દેવજીભાઈ વરચંદે નવાં વર્ષે દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને ભેટ આપવા માટેનું
સૂચન કર્યું હતું, તેને માન્ય રાખીને સરહદ ડેરી દ્વારા 10 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના
ભાવમાં વધારો કરીને પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના સમયે પ્રતિ કિલો
ફેટ 810 રૂપિયા આપવામાં આવે છે અને
તે વધારીને હવે 820 રૂપિયા પ્રતિ
કિલો ફેટ કરવામાં આવશે. આ ભાવવધારો એક નંબરથી કાર્યરત થશે. પશુપાલકોને દર મહિને એક
કરોડ 25 લાખ સાથે જ વાર્ષિક 14 કરોડ રૂપિયા વધારે મળશે. સરહદ
ડેરીના ચેરમેન વલમજી હુંબલે કહ્યું હતું કે, જિલ્લાના પશુપાલકો સરહદી ડેરીમાં દૂધ ભરાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે.
દૂધ ઉત્પાદકો આ વ્યવસાય થતી આર્થિક વિકાસ હાંસલ કરે તે માટે ડેરી દ્વારા મહત્ત્વના
નિર્ણયો લેવાય છે. આ ભાવવધારો એક નવેમ્બરથી કોમ્પ્યુટરમાં ચડાવી દેવામાં આવશે અને પશુપાલકોને
નવા ભાવની મેસેજમાં ખરાઈ કરી લેવા માટે જણાવ્યું છે.