દુબઇ, તા. 28 : ભારતીય મહિલા ટીમની ઉપકપ્તાન
અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાના વન-ડે કારકિર્દીના બેસ્ટ રેટિંગ સાથે ટોચ પર યથાવત્ છે.
તેના ખાતામાં 828 રેટિંગ પોઇન્ટ છે. સ્મૃતિએ
તાજેતરમાં વિશ્વ કપની પાછલી બે મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 109 અને બાંગલાદેશ સામે અણનમ 34 રન કર્યા હતા. સ્મૃતિ વિશ્વ
કપમાં કુલ 36પ રન કરી ચૂકી છે. બીજી તરફ વિશ્વ કપની
બહાર થનારી સ્મૃતિની સાથીદાર પ્રતીકા રાવલ ટોચની 30 બેટર્સ સૂચિમાં સામેલ થઇ છે. તેણે 12 સ્થાનની છલાંગ લગાવી છે. જ્યારે
ન્યૂઝીલેન્ડ સામે અર્ધસદી કરનારી જેમિમાહ રોડ્રિગ્સ 8 સ્થાન ઉપર આવીને 19મા ક્રમે પહોંચી છે જે તેની વન-ડે કારકિર્દીનો
શ્રેષ્ઠ ક્રમાંક છે. મહિલા વન-ડે બેટિંગ ક્રમાંકમાં સ્મૃતિ પછી બીજા નંબરે ઓસ્ટ્રેલિયાની
એશ ગાર્ડનર છે. તેણે 6 સ્થાનનો કૂદકો
માર્યો છે. ભારતની દીપ્તિ શર્મા બોલિંગ ક્રમાંકમાં બે અને ઓલરાઉન્ડર ક્રમાંકમાં એક
સ્થાન નીચે ખસી છે. તે બોલિંગમાં પાંચમા અને ઓલરાઉન્ડર સૂચિમાં પણ પાંચમા ક્રમે છે.
બોલિંગમાં ઇંગ્લેન્ડની સોફી એકલસ્ટન ટોચના ક્રમે છે. આફ્રિકા સામે 7 વિકેટ લેનારી ઓસ્ટ્રેલિયન સ્પિનર અલાના
કિંગ પાંચ સ્થાનની છલાંગ લગાવી બીજા નંબરે પહોંચી છે.