• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

કચ્છમાં માવઠાંની અસરે ઝરમરથી દોઢ ઈંચ વરસાદ

ભુજ, તા. 28 : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે હવામાન ખાતાની પાંચ દિવસની હળવાથી ભારે વરસાદની આગાહીના બીજા દિવસે કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા અને ભચાઉ તાલુકામાં ઝરમરથી માંડી દોઢેક ઈંચ વરસાદ પડયો હતો, તો ધાબડિયા વાતાવરણના કારણે સૂસવાટા પવનો થકી ઠંડક પ્રસરી હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું દબાણ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધતાં રાજ્યની સાથે કચ્છમાંયે મંગળવારે ક્યાંક  ઝરમર સ્વરૂપે, તો ક્યાંક દોઢેક ઈંચ પાણી વરસ્યું હતું. જો કે, હજુ આ માવઠાંની અસર શુક્રવાર સુધી રહેવાની હોવાથી તેમજ સૂસવાટા પવનોને પગલે કચ્છના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે, તો આ કમોસમી વરસાદને પગલે ખેતરોમાં ઊભેલા કપાસ, મગફળી અને દાડમ જેવા પાકને નુકસાનીથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. - ભુજમાં ઝાપટાં સ્વરૂપે હાજરી : ભુજમાં આજે પણ દિવસભર ધાબડિયા વાતાવરણ વચ્ચે થોડી-થોડીવારે ઝાપટાં સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી, જેના કારણે માર્ગો ભીના થયા હતા. તાલુકાના માધાપર, કુકમા, કાળી તળાવડી, મમુઆરા સહિતના પંથકમાં વરસાદી ઝાપટાંનાં કારણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કુકમામાં સવારથી જ વરસાદી વાતાવરણના કારણે ઠંડક અનુભવાઈ હતી, તો પડેલાં ઝાપટાંનાં કારણે રસ્તા પલળ્યા હતા, જ્યારે વાડી વિસ્તારમાં ઝાપટાંનું જોર વધુ રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. આ વરસાદને પગલે શાકભાજી, વિવિધ પાકોને નુકસાનકર્તા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તો પદ્ધર, કાળી તળાવડી, મમુઆરા સહિતના વિસ્તારોમાંયે બપોર પછી ઝાપટાં પડયાં હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું.આ પંથકમાં કમોસમી વરસાદને પગલે મગફળી, તેનો ચારો, ફૂટેલ કપાસ, દાડમ જેવા પાકો અને ચાઈનાક્લેને પણ નુકસાન થયવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. - ગાંધીધામમાં પાંચ એમએમ વરસાદ : ગાંધીધામ સંકુલમાં સવારથી લઈને સાંજ સુધીમાં પાંચ એમ.એમ. વરસાદ પડયો હતો અને આ સાથે સિઝનનો કુલ 831 એમ.એમ. વરસાદ મામલતદાર કચેરીમાં નોંધાયો છે. સોમવારની રાત્રિ અને મંગળવારના દિવસ દરમિયાન ઝરમર અને ઝાપટાં સ્વરૂપે પડેલા વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાયાં છે, ખાસ કરીને રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે, મોટા-મોટા ખાડાઓ છે અને તેમાં વરસાદી પાણી ભરાતાં નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે, લોકોને ઇજાઓ પહોંચી રહી છે, બીજીતરફ માવઠાંની અસરે બે દિવસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સામાન્ય વરસાદથી પણ ગાંધીધામ-આદિપુરના અલગ-અલગ વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાયાં છે, જેના કારણે વાહનચાલકો અને લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલના સમયે વાતાવરણને જોતાં વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.  અંજારમાં વરસાદી માહોલ : દિવસભર વાતાવરણમાં ઠંડક, ખેતીને નુકસાનની ભીતિ  અંજાર પંથકમાં દિવસભર વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું. કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાંયે સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો આવતાં હળવાં ઝાપટાં પડયાં હતાં, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જો કે, અંજાર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આવેલા આ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેતરોમાં ઊભા પાકને આ અણધાર્યા વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીના પાકને થનારા સંભવિત નુકસાનને કારણે ખેડૂતોમાં મૂંઝવણ પ્રવર્તી રહી છે. જો આગામી દિવસોમાં હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળશે તો ખેડૂતો માટે ખૂબ જ મુસીબત ઊભી થઇ શકે છે. - માકપટ્ટમાં ફોરાં પડયાં : કચ્છના માકપટ્ટ તરીકે જાણીતા નખત્રાણા પંથકમાં નૂતન વર્ષથી જ વાદળછાયા વાતાવરણ છવાયેલું રહ્યા બાદ આજે સવારથી જ આષાઢી માહોલે છુટાછવાયા ફોરાં (છાંટા) પડયા હતા.હવામાન ખાતાની માવઠાંની આગાહીને પગલે વર્તમાન સમયમાં ચોમાસુ પાકો કપાસ, મગફળી, ગુવાર, મગ જેવા પાકોની કાપણી સમયે જ વરસાદી વાતાવરણે ધરતીપુત્રોમાં ચિંતા ફેલાવી હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. દિવસમાં ઠંડા પવનોના કારણે સવારે શિયાળો, બપોરે ઉનાળો અને ચોમાસાં એમ ત્રણ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. - ભચાઉ શહેરી ગ્રામીણ વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ : ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તાર લુણવા, ચોપડવા, ગુણાતીતપુર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટાં શરૂ થતાં પાણી વહી નીકળ્યાં હતાં, આ સાથે ગુણાતીતપુર વાડી વિસ્તાર, રામેશ્વરનગરમાં દોઢ ઇંચ કસમોસામી પાણી વરસી પડયાનું ડો. પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું. આ વરસાદથી કરોડો રૂપિયાના એકાદ હજાર એકર જમીનમાં આવેલા દાડમના ફૂલ ખરી પડતા ઉપજમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે અને દાડમ ઉત્પાદન ઓછું થવાના કારણે ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે, આવું જ આ પંથકમાં મગફળીના પથારા જ્યાં ઉપડયા નથી તે ઉપજની ગુણવત્તા બગડી જતાં ખેડૂતોને માથે આફત વરસી પડશે, બજારભાવ નહીં મળે અને માલ સારો ન હોવાથી ઉધારીમાં કે ઓછા ભાવે નિકાલ કરવાની નોબત ખેડૂતો પર આવશે. આજે સવારના પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને પવન અને વરસાદી વાતાવરણના કારણે ગામડાના ગ્રાહકો નગરમાં આવ્યા નહોતા, તો કામકાજ માટે ફરતા લોકોને માવઠાંના માહોલથી ધંધા, વ્યવસાય, ઊઘરાણી જેવાં કામ પડતાં મૂકી નવરા બેસવું પડયું હતું. આ વરસાદના કારણે કારતક માસની કથાઓમાં પણ વિક્ષેપમાં મુકાતાં મુંબઈગરાની ભીડમાં ઓટ દેખાય છે. તાલુકાના ઘણા વિસ્તારમાં માવઠારૂપી વરસાદ અષાઢ માસની જેમ પડયો છે, આટલો વરસાદ દાયકાઓ બાદ પડયો હોવાનું ગણેશભાઈ પટેલે  જણાવ્યું હતું, આ વરસાદ થકી ખેડૂતોની હાલત કફોડી બની છે. 

Panchang

dd