• બુધવાર, 29 ઑક્ટોબર, 2025

ઈરાનમાં બંધક બનાવાયેલા માણસાના ચાર ગુજરાતી સુરક્ષિત પરત ફર્યા

અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : ઓસ્ટ્રેલિયા જવાની લાલચમાં ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવાયેલા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવકો આખરે હેમખેમ વતન પરત ફર્યા છે. ચારેય યુવકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ચારેય સભ્યો વતન પરત ફરતા પરિવારજનોએ હાલ રાહતનો શ્વાસ લીધો છે. આ સમગ્ર ગંભીર પ્રકરણને લઈને માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક મદદ માંગી હતી. વતન પરત ફર્યા બાદ બંધક બનાવવામાં આવેલા આ પરિવારને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ લવાયા હતા. જો કે, ચાર પૈકી બે જ લોકોને ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ કાર્યાલય લવાયા હતા, જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયા હતા. હાલ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરાશે. પોલીસ આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. જો યુવકો પોલીસ ફરિયાદ કરવા માંગતા હશે, તો અપહરણ, ખંડણી અને છેતરાપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાશે. હાલ આ ચારેય યુવકોને ઓસ્ટ્રેલિયા મોકલનારા એજન્ટની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે. બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી અૉસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવાયા, ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતા. તહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે (હેલી નામની હોટેલ) લઈ જવામાં આવ્યા હતા. આ યુવકોને અપહરણકારોએ બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો હતો. તેમના વસ્ત્રો ઉતારીને, હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો અને પૈસાની સતત માંગણી કરાતી હતી.  

Panchang

dd