કેનબેરા, તા. 28 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન ડે
શ્રેણી 1-2થી ગુમાવ્યા બાદ ભારતીય ટીમ
હવે કાંગારૂઓ વિરુદ્ધ પાંચ મેચની ટી-20 શ્રેણી જીતવાના જુસ્સા સાથે આવતીકાલ બુધવારથી મેદાનમાં ઉતરશે.
સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં યુવા ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયાનો અલગ પડકાર હશે. આ
શ્રેણી ખુદ કપ્તાન સૂર્યકુમારના ભવિષ્ય માટે પણ ઘણી મહત્ત્વની છે. કારણ કે પાછલા ઘણા
સમયથી તેના બેટ પર કાટ લાગી ગયો છે. ટી-20 વિશ્વ કપ-2026 દૂર નથી.
આથી તેની તૈયારીને લઇને પણ બન્ને ટીમ માટે આ શ્રેણી ઘણી મહત્ત્વપૂર્ણ છે. ભારતને વિશ્વ
કપ અગાઉ લગભગ 1પ મેચ રમવાની છે. જો ઓસ્ટ્રેલિયામાં સકારાત્મક
પરિણામ મળશે તો આ ટીમનું મનોબળ વધશે. ભારતીય
ટીમ એ જ ઇલેવન સાથે લગભગ ઉતરશે જેણે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને હાર આપી હતી.
ભારત પાસે ટી-20 ફોર્મેટમાં એક મજબૂત ટીમ છે.
જેની ખબર એ વાતથી પડે છે કે પાછલી 10 મેચમાંથી આઠમાં જીત મેળવી છે. જો કે આ વખતે ટીમ ઇન્ડિયાની ચુનૌતિ
આસાન નહીં રહે કારણ કે ઓસ્ટ્રેલિયન ટીમ સારા ફોર્મમાં છે. તેણે પણ ભારતની જેમ પાછલા
10 મુકાબલામાંથી આઠ મેચમાં વિજય
પ્રાપ્ત કર્યો છે. એક મેચમાં હાર મળી હતી અને એક મેચ વરસાદમાં ધોવાઈ હતી. સૂર્યકુમાર
ભલે બેટથી યોગદાન આપી રહ્યો ન હોય, તેનો કપ્તાની રેકોર્ડ શાનદાર છે. તેની આગેવાનીમાં ભારતીય ટી-20 ટીમ 29માંથી 23 મેચ જીતી છે. સૂર્યાની આગેવાનીમાં ભારતે હજુ સુધી એક પણ દ્વિપક્ષી
શ્રેણી ગુમાવી નથી. હાલમાં એશિયા કપ ખિતાબ પણ જીત્યો છે. ભારતીય ઈનિંગનો પ્રારંભ ફરી
એકવાર શુભમન ગિલ અને અભિષેક શર્મા કરશે. અભિષેક સારા ફોર્મમાં છે અને આ ફોર્મેટનો નંબર
વન બેટર છે. જો કે ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પીચ પર અભિષેકની કસોટી થશે. આ શ્રેણીમાં
ભારતને તેના અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ખોટ પડશે. તે ઇજાને લીધે શ્રેણી બહાર
છે. આથી નીતિશકુમાર રેડ્ડી અને શિવમ દૂબેની ભૂમિકા વધી જશે. જો ભારત એક વધારાના બેટધર
સાથે ઉતરશે તો રિંકુ સિંહની ઈલેવનમાં જગ્યા બને છે. બીજી તરફ મિચેલ માર્શની ટીમ વન
ડે શ્રેણી પછી ટી-20 સિરીઝ પણ
કબજે કરવાના ઓરતા સાથે મેદાને પડશે. તેની પાસે ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લીશ, ટિમ ડેવિડ,
માર્કસ સ્ટોઇનિસ, નાથન એલિસ અને જોશ હેઝલવૂડ જેવા
આ ફોર્મેટના સારા ખેલાડીઓની ફોજ છે.