ગુવાહાટી, તા. 28 : લીગ રાઉન્ડમાં કેટલીક પાતળી
જીત હાંસલ કરીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવનારી દક્ષિણ આફ્રિકા ટીમ મહિલા વન ડે વિશ્વ
કપના અંતિમ -4 મુકાબલામાં મજબૂત ઇંગ્લેન્ડનો આવતીકાલ બુધવારે
સામનો કરશે. ઇંગ્લેન્ડ ટીમ ચાર વખતની પૂર્વ ચેમ્પિયન છે. આફ્રિકાએ જો કસોકસની ટકકર
લેવી હશે તો તેના બેટર્સે સારો દેખાવ કરવો પડશે. દ. આફ્રિકા ટીમે જે બે લીગ મેચમાં
હાર સહન કરી હતી તે બન્ને મુકાબલામાં તેના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. બન્ને અવસર પર
સ્પિનરો સામે તેની બેટિંગ લાઇનઅપ કડડભૂસ થઇ હતી. સેમિ ફાઇનલમાં વરસાદના વિઘ્નની સંભાવના
છે.પોતાની પહેલી મેચમાં 69 રનમાં ઢેર
થયા બાદ આફ્રિકી મહિલા ટીમે સારી વાપસી કરી ભારત અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમને
હાર આપી સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અંતિમ લીગ મેચમાં પણ આફ્રિકી ટીમ ઓસ્ટ્રેલિયા
સામે 97 રનમાં ડૂલ થઇ હતી. આ હાર ભૂલી
આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામે હલ્લાબોલ કરવું પડશે. બીજી તરફ ઈંગ્લેન્ડ ટીમ સારા ફોર્મમાં
છે અને આફ્રિકા મહિલા ટીમની નબળાઇનો ફાયદો લેવાની કોશિશ કરશે. ઇંગ્લેન્ડની બોલિંગ સ્પિન
ત્રિપુટી સોફી એકલેસ્ટોન, લિંસે સ્મિથ
અને ચાર્લી ડીન પર નિર્ભર રહેશે. ઇંગ્લેન્ડ માટે સારી વાત એ છે કે તેણે આ જ મેદાન પર
પહેલી મેચમાં આફ્રિકા ટીમને 10 વિકેટે કારમી હાર આપી હતી.